Western Times News

Gujarati News

વટવામાં ચાલુ ગેસના ચુલા પર પડેલી બાળકીનું મૃત્યુ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અપમૃત્યુની ઘટનાઓ વચ્ચે વટવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં ઘરમાં રમી રહેલી બે વર્ષની બાળકી રમતા રમતા સળગતા ગેસના ચુલા પર પડતાં આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેને હોસ્પિટલમાં  સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજતા સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો છે. આ અંગે વટવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જયારે રામોલ વિસ્તારમાં ટાંકીમાંથી પાણી કાઢવા ઈલેકટ્રીક મોટર ચાલુ કરતી વખતે એક યુવકને વીજ કરંટ લાગતા તેનુ મૃત્યુ નીપજયું હતું આ અંગે રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગત એવી છે કે શહેરના વટવા વિસ્તારમાં જાનીયાપીરના ટેકરા પર પંકજભાઈ ચૌધરી પોતાના પરિવાર સાથે રહે છે પરિવારમાં બે વર્ષની પુત્રી શિવાની પણ હતી શિવાનીના જન્મ બાદ પરિવારજનો ખૂબ જ ખુશાલ હતા અને શિવાની પણ આ પરિવાર ઉપરાંત આસપાસમાં રહેતા નાગરિકો પાસે પણ રમતી હતી

આ દરમિયાનમાં તા.૩જીના રોજ શિવાની પોતાના ઘરમાં રાત્રિના સમયે રમતી હતી તે દરમિયાન રમતા રમતા અચાનક જ સળગી રહેલા ગેસના ચુલા પર પડી હતી જેના પરિણામે માસુમ શિવાની આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી પરિવારજનોએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ પણ આવી પહોચી હતી શિવાનીને ગંભીર હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં  ખસેડવામાં આવી હતી.

માસુમ બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં  લાવવામાં આવતા તબીબોએ પણ તેની સઘન સારવાર શરૂ કરી હતી પરંતુ તેની સ્થિતિ વધુને વધુ નાજુક બની ગઈ હતી આ દરમિયાનમાં એલ.જી. હોસ્પિટલમાં  સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજતા સમગ્ર પરિવારજનો વ્યથિત બની ગયા હતાં સમગ્ર ચાલીમાં શોકનું મોજુ ફરી વળી ગયું હતું પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતે મોતનો બીજા બનાવ રામોલ વિસ્તારમાં બન્યો હતો રામોલ પોલીસ સ્ટેશન હેઠળના વસ્ત્રાલમાં નિજાનંદ પાર્કમાં રહેતા નારાયણ જાટ નામનો ૧૯ વર્ષનો યુવક પોતાના ઘરે પાણીની ટાંકીમાંથી પાણી કાઢવા માટે ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયો હતો આ દરમિયાન જ અચાનક જ કરંટ લાગતા તેને ગંભીર હાલતમાં અવધ હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું આ અંગે રામોલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.