વહેલી સવારે વાંસદામાં ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
નવસારી, નવસારીના વાંસદા તાલુકામાં ફરી એકવાર ભયજનક ભૂકંપના આંચકા નોંધાયા છે. વાંસદાના અનેક ગામડાઓ ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદા-ચીખલી હાઇવે પર આવેલું લાખાવાડી ગામમાં નોંધાયું છે. તો ભૂકંપની તીવ્રતા ૩ નોંધાઈ છે. વહેલી સવારે ૫.૨૭ કલાકે ભૂકંપ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે મહિનાથી વાંસદાની જમીનમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે તાલુકના રહેવાસીઓ પણ હંમેશા ગભરાયેલા છે. આ મામલે અનેક તપાસ કરવામા આવી છે.
નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકા કેટલાક ગામોમાં બે મહિનામાં સતત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. ગત મહિને તો વાંસદામાં ૨.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવતા તાલુકાના ઉપસળ, મોટી વાલઝર, નાની વાલઝર સહીતનાં આસપાસનાં ગામોમાં લોકોનાં ઘરોમાં મોટી મોટી તિરાડો પડી જવા પામી હતી. સામાન્ય રીતે વાંસદાનાં ગામોમાં કાચા કે અર્ધ પાકા ઘરો વધુ હોય છે, ત્યારે લોકોના ઘરોમાં તિરાડો પડતા ઘર પડી જવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા ભૂકંપના આંચકાઓ કયા કારણસર આવી રહ્યા હોવાની માહીતી ન આપતા ગ્રામીણોમાં ભયનાં માહોલ સાથે રાજ્ય સરકાર અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. સતત આવતા ભૂકંપના આંચકાને લઇને હાલ તો વાંસદા તાલુકા સહિત સરહદના ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોમાં પણ ભાયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં પણ તંત્ર ભૂકંપ આવવાના કારણો વિષે લોકોને માહિતગાર કરે એવી ગ્રામીણો આશા સેવી રહ્યા છે.
ગાંધીનગરના સિસ્મોલોજી સેન્ટરના ડાયરેક્ટરે કહ્યું હતું કે, ગુજરાતમાં વર્ષે સરેરાશ ૬૦૦ જેટલા ભૂકંપના નાના-મોટા આંચકા આવે છે. આ નાના મોટા ભૂકંપના આંચકા ગુજરાત માટે નુકસાનકારક નહિ, પણ ફાયદાકારક હોવાનો દાવો પણ તેઓએ કર્યો છે.રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સતત ભુકંપના આંચકા આવી રહયાં છે. છેલ્લા બે દિવસમા ૫ જેટલા નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આંકડા મુજબ, રાજ્યમા ૧ નવેમ્બરથી આજ સુધી ૯૬ ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી વધુ ઝટકા સૌરાષ્ટ્રમાં ૪૦ આંચકા આવ્યા છે. જ્યારે કે કચ્છમાં ૩૨ આંચકા અનુભવાયા છે. જેમાં ગઈકાલે ૪થી વધુ તીવ્રતાનો એક આંચકો નોધાયો છે. ચાલુ વર્ષે ૪ કરતા વધુ તીવ્રતાના ૫ આંચકા અનુભવાયા છે.