વાહનોમાં માઇક્રોડોટ્સ લગાડવામાં આવશે
નવી દિલ્હી, વાહનો અને વાહનોનાં સ્પેરપાર્ટસની ચોરી અટકાવવા કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. દરેક વાહનમાં હવે માઇક્રોડોટ્સ આઇડેન્ટિફાયર લગાડવાની આ યોજના છે એમ વાહન વ્યવહાર ખાતાએ કરેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું. આ માટે કેન્દ્રીય વાહન ધારો 1989માં સુધારો કરવામાં આવશે અને એ પછી દરેક વાહન ચાલકે પોતાના વાહનમાં માઇક્રોડોટ્સ લગાડવા પડશે. વાહન ઉપરાંત એના કોમ્પોનન્ટ્સ, વિવિધ પૂર્જા અને એસેમ્બલીઝને પણ માઇક્રોડોટ્સથી સજ્જ કરવાના રહેશે.
મંત્ર્યાલયે વધુમાં કહ્યું હતું કે માઇક્રોડોટ્સ લગાડનારી કંપનીઓએ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ સ્ટાન્ડર્ડઝ્ (એઆઇએસ)-155નું કડક પાલન કરવું પડશે જેથી તકલાદી માલ ન વપરાય. ફક્ત એક કે અડધા મિલિમીટરનું કદ ધરાવતા માઇક્રોડોટ્સમાં સંબંધિત વાહનની તમામ વિગતો ભરેલી હોય છે.
વાહન કે એના કોઇ પાર્ટની ચોરી થાય ત્યારે આ માઇક્રોડોટ્સના આધારે એના માલિકની ઓળખ મળી શકે. માઇક્રોસ્કોપ જેવાં વૈજ્ઞાનિક સાધનો સિવાય એને નરી આંખે જોઇ શકાતાં નથી. એ જ રીતે એેને જ્યાં ફિટ કર્યા હોય ત્યાંથી ખસેડી પણ શકાતા નથી. આમ એ બધી રીતે સુરક્ષિત હોય છે.