Western Times News

Gujarati News

વાહન અથડાવા જેવી નજીવી બાબતે શખ્સે આધેડને છરાના ઘા ઝીંક્યા

પ્રતિકાત્મક

રાણીપ બકરામંડી નજીકની ઘટનાઃ આધેડ જીવનમરણ વચ્ચે હોસ્પીટલમાં તબીબોની દેખરેખ હેઠળ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાણીપમાં આવેલી બકરામંડીમાં રીક્ષા એક્ટીવાને અડી જતાં માથાભારે એક્ટીવા ચાલકે ઝઘડો કર્યા બાદ રીક્ષાચાલકને ગડદાપાટુનો માર મારી મોટા છરા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ઘાયલ રીક્ષા ચાલકના કાન, નાક, આંખો અને બાવડા તથા શરીરના અન્ય ભાગો ઉપર ગંભીર ઈજા થતાં તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં જીવનમરણ વચ્ચે તે ઝોલા ખાઈ રહ્યો છે. જ્યારે હુમલો કરનાર શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વિનોદભાઈ વાણા ઔડાના મકાન કાળીગામ ગરનાળા પાસે રાણીપ ખાતે રહે છે અને સમય મળતા જ તે પોતાના નાના ભાઈની રીક્ષા ચલાવે છે. ગયા રવિવારે પણ વિનોદભાઈ રીક્ષા લઈને સવારે ધંધા ઉપર નીકળ્યા બાદ મોડી રાતે અગીયાર વાગ્યાના સુમારે પરત ફર્યા હતા એ સમયે ઘર આગળ જ તેમને બકરામંડીમાં રહેતા ઈરફાન નસીબખાન પઠાણની સાથે એક્ટીવા અથડાવા બાબતે ઝઘડો થતાં ઈરફાને વિનોદભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો.

આટલેથી ન અટકાતા ઈરફાને પોતાના એક્ટીવામાંથી છરો કાઢીને આધેડ વિનોદભાઈ ઉપર હુમલો કરી ઉપરાછાપરી ઘા મારતા વિનોદભાઈનો ગાલ ચિરાઈ ગયો હતો. ઉપરાંત આંખ અને નાક પણ કપાયા હતા. ઈરફાને કરેલા હુમલામાં વિનોદભાઈને શરીરે અન્ય ભાગોમાં પણ ઈજા થતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ દરમ્યાન બુમાબુમ થતાં તેમના પરિવાર સહિતના લોકો એકઠા થતાં ઈરફાન છોડીને દિવાલ કૂદીને ત્યાંથી ભાગી ગયો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ વિનોદભાઈને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.પોલીસને જાણ થતાં જ તેમણે વિનોદભાઈના પત્ની કમલાબેનની ફરીયાદના આધારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને હુમલાખોર ઈરફાનની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.