વ્યારા; જનરલ હોસ્પીટલમાં આંખના રોગના ઈલાજ માટે અદ્યતન સાધનોનું લોકાર્પણ
વ્યારા; તાપી જિલ્લાના મુખ્ય વહીવટી મથક વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે આંખના વિવિધ રોગો માટે ખૂબ જ ઉપયોગી એવા અદ્યતન સાધનોનું તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે આજે લોકાર્પણ કર્યું હતું.
ક્વિન વિકટોરિયા ગોલ્ડન જયુબિલી ટ્રસ્ટનાં સહયોગથી વ્યારાની જનરલ હોસ્પિટલને ડાયાબિટીક રેટીનોપેથીથી થતાં પડદાના રોગના સચોટ નિદાન, અને તેના માટેની લેસર સારવાર માટેના ઑ.સી.ટી. મશીન, અને ગ્રીન લેસર ઉપલબ્ધ થયા છે. આ અગાઉ આ રોગના નિદાન અને સારવાર માટે તાપી જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને સુરત કે છેક અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું. અથવા ખાનગી હોસ્પિટલોમાં ખૂબ જ મોંઘા ભાવે સારવાર લેવી પડતી હતી.
આ કીમતી અને આ વિસ્તાર માટે ખૂબ જ જરૂરી એવા મશીનો અંહી ઉપલબ્ધ થતાં તેને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે પ્રજાર્પણ કરાયા હતા. આ અવસરે કલેક્ટર શ્રી આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ, પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની સહિતના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ કાર્યક્રમ બાદ પ્રભારી મંત્રિશ્રીએ આગામી દિવસોમાં જીલ્લામાં યોજનારા મેગા મેડિકલ કેમ્પ બાબતે પણ, સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.