અમદાવાદમાં વધી રહેલો તસ્કરોનો તરખાટ
વિવિધ બનાવોમાં આશરે છ લાખથી વધુની મત્તા ચોરીઃ નાગરીકોમાં રોષઃ પોલીસ સક્રિય
અમદાવાદ: અમદાવાદ શહેરનાં કાયદો અને વ્યવસ્થાનાં લીરેલીરા ઊડાડતાં તસ્કરોએ એક જ રાતમાં વિવિધ વિસ્તારોને ધમરોળ્યા છે. મણિનગર, ઓઢવ, વાડજ, એરપોર્ટ, વસ્ત્રાપુર સહિતનાં પોલીસ સ્ટેશનમાં એક જ રાતમાં ઘરફોડ ચોરીની ફરીયાદો નોંધાતા ચકચાર મચી છે. આટલી ફરીયાદો આવતાં પોલીસ તંત્ર પણ ચોંકી ઊઠ્યું છે. જ્યારે નાગરીકોમાં રોષ ઊઠ્યો છે.
મણિનગરમાં દક્ષીણી સોસાયટી નજીક બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રવિણકૃપા હિરણનાં ઘરે કેટલાંક દિવસ અગાઉ કોઈ નહતું એ સમયે રાત દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને તિજારીનાં તાળાં તોડી સોના ચાંદીના ઘરેણાં રૂપિયા ૧,૮૦,૦૦૦ની મત્તા ચોર્યા હતા. આ અંગે પાડોશીએ પ્રવિણભાઈને જાણ કરી હતી.
ઓઢવમાં આવેલી છોટાલાલની ચાલી પાસે કંચન ઈલેક્ટ્રીક નામની દુકાન તાળાં તોડીને તસ્કરોએ ૧૮૦ કિલો કોપર તથા ૧૦ કિલો એલ્યુમિનિયમ વાયર ચોરી ગયા હતા. જેની કિંમત આશરે એક લાખ રૂપિયા જેટલી છે. દુકાનનાં માલિક વિજયકુમાર લુણીયાએ ચોરીની ફરિયાદ નોંધાવી છે.
શાહીબાગમાં આવેલી ગિરધરનગર સોસાયટીમાં બુધવારે મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જ્યાં એક મકાનમાંથી ત્રણ મોબાઈલ ફોન, લેપટોપ, એક્ટીવા સહિતના રૂપિયા એક લાખની મત્તા ચોરી ગયા હતા. જેની ફરીયાદ વિકાસભાઈ કાનુત્રાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બોપલ વિસ્તારમાં વસંત બહાર બંગલોઝમાં રહેતાં રાજેશકુમાર વિઠ્ઠલભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે કે કેટલાંક દિવસ અગાઊ તે વાડજમાં કોઈ કામથી ગયા હતા ત્યારે તસ્કરોએ તેમની કારનાં કાચ તોડીને તેમાંથી રોકડા ૫૨,૦૦૦ ઊપરાંત અન્ય દસ્તાવેજા સહિત કુલ એક લાખથી વધુની ચોરી આચરી હતી.
સાઈ શ્રદ્ધાં ફ્લેટ, સરદારનગરમાં પણ એક મકાનમાં ચોરીની ઘટના બની છે. જેમાં સોનાનાં દાગીના તથા રોકડ સહિત કુલ બે લાખ ૧૦ હજારની મત્તા ચોરાઈ જતાં પરીવાર એરપોર્ટ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. વસ્ત્રાપુરમાં તસ્કરો એક ઘર તથા મકાન ઊપર ત્રાટક્યા હતા. બંને બનાવોમાં આશરે રૂદપિયા સિત્તેર હજારની મત્તા ચોરી ગયા હતા. જેની તપાસ પોલીસ ચલાવી રહી છે.