શિયાળામાં વાદળછાયું વાતાવરણ ખેતી પાકોમાં નુકશાન થવાની ભિતી
ભિલોડા: અરવલ્લી જિલ્લામાં ગુરુવારના રોજ વાતાવરણ વાદળછાયું બન્યું હતું. શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં હજુ ઠંડીનો માહોલ જામતો નથી. સાથે અસંતુલીત વાતાવરણને કારણે બપોરે ગરમી અને વહેલી સવારે ઠંડકનો અનુભવ થાય છે ત્યારે વાતાવરણ વાદળછાયું બનતાં ખેતીપાકોમાં પણ નુકશાન થવાની ભિતી સર્જાઈ છે. ખેડૂતોએ હાલ રવિ પાક માટે વાવણી કરી દીધી છે ત્યારે જો માવઠું થાય તો પાક ઉગતા પહેલાં જ બગડવાની દહેશત ખેડૂતોને સતાવી રહી છે. બીજી બાજુ અસંતુલીત વાતાવરણને પગલે લોકોને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે.
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો ખતરો સર્જાયો છે કારણ કે અરબી સમુદ્રમાં દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વમાં બંને તરફ એક એક સિસ્ટમ સક્રિય છે. જેમાથી દક્ષિણ પશ્ચિમ તરફ સક્રિય લો પ્રેશર ડીપ્રેશનમાં પરિવર્તિત થઈ છે બદલાયેલા વાતાવરણથી કમોસમી વરસાદની ભિતિને પગલે ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે. ખરીફ પાકમાં થયેલા પારાવાર નુકસાન બાદ માવઠાથી રવિ પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગની અસરને પગલે અરબી સમુદ્રમાં સતત ડીપ્રેશનની સ્થિતિ સર્જાતાં સમગ્ર રાજ્ય સહિત અરવલ્લી જિલ્લાનું વાતાવરણ વાદળછાયું બન્યું છે અને જિલ્લામાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે સાથે સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે માવઠાથી જગતના તાતને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ચાલુ વર્ષના ચોમાસામાં ભારે વરસાદ જિલ્લામાં પડ્યો હતો.જેના કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.બાદમાં શિયાળાની શરૂઆતમાં જ માવઠાઓ થવાને કારણે ખેતરોમાં મગફળીના પાકને વ્યાપક નુકશાન થયું હતું.વારંવાર બદલાતા વાતાવરણ થી ખેડૂતોનો તૈયાર થયેલ અળદ,મગફળી, મગ,સહિત કપાસ જેવા પાકોમાં ભારે નુકશાન વેઠવું પડ્યું હતું.અરવલ્લી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું.વારંવાર વાતાવરણમાં પલટો આવવાને કારણે લોકોના આરોગ્ય ઉપર પણ માઠી અસર થઈ રહી છે.તાવ,શરદી,ઉધરસ,ન્યુંમોનિયા,ડેન્ગ્યું સહિતની બિમારીઓ વધવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. હવે રીત સરનો શિયાળો શરૂ થાય તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.