શેરબજારમાં રોકાણ કરાવી યુવક સાથે આશરે ચાર લાખની ઠગાઈ
આ મામલે યુવકે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
૧૭ સપ્ટેમ્બરે સંજયના મોબાઇલ પર એક વોટ્સએપ ગ્રુપની લિંક આવી હતી, તે ગ્રુપમાં જોડાતા જ તેમાં સ્ટોકમાર્કેટને લગતી ટીપ્સ આપવામાં આવી હતી
અમદાવાદ,
શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી યુવક સાથે ૪ લાખની ઠગાઇ આચરવામાં આવી છે. આ મામલે યુવકે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.સરદારનગરમાં ૩૭ વર્ષીય સંજય દયાલદાસ લાલવાણી પરિવાર સાથે રહે છે અને શેરમાર્કેટમાં પાંચ વર્ષથી રોકાણ કરે છે. ૧૭ સપ્ટેમ્બરે સંજયના મોબાઇલ પર એક વોટ્સએપ ગ્રુપની લિંક આવી હતી. તે ગ્રુપમાં જોડાતા જ તેમાં સ્ટોકમાર્કેટને લગતી ટીપ્સ આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારી ટીપ્સ માટે બીજા ગ્રુપની લિંક મોકલવામાં આવી હતી.
જેમાં પણ સંજય જોડાઇ ગયો હતો. તે ગ્રુપનો એડમિન સુરેન્દ્રકુમાર દુબે હતો. તે જ જુદા જુદા સ્ટોકની ટીપ્સ આપતો હતો. પછી બીજી એક લિંક મોકલવામાં આવી હતી અને પ્રે ટ્રેડિંગ કંપનીનો આઇપીઓ ભરવાથી વધુ નફો થશે તેમ કહવેમાં આવ્યું હતું. ઉપરાંત ગ્રુપમાં કંઇ તકલીફ હોય તો શ્રદ્ધા ચોપરાનો નંબર આપવામાં આવ્યો હતો. સંજયે ઓનલાઇન લિંક ખોલી વિગતો ભરી હતી. તેમાં એક ટીફની ટેયલરનો મોબાઇલ નંબર હતો તેમાં જે પૈસા ભર્યા હતા તેની પહોંચ મોકલવાની હતી.
આ પહોંચ મોકલ્યા બાદ ડિમેટ એકાઉન્ટ રિચાર્જ કરવામાં આવતું હતું. જેથી ૮ ઓક્ટોબરે સંજયે ૫૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા, ત્યારબાદ તબક્કાવાર ૪ લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંજયને યુએસ સ્ટોમાં પ્રિટ્રેડિંગ કરાવતા હતા અને બે વાર ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરાવ્યું હતું. પરંતુ ખાતામાંથી પૈસા પરત લેવા માટે કોઇ જ વ્યવસ્થા ન હતા. જેથી સંજયને ઠગાયાનો અહેસાસ થતા તેણે ઓનલાઇન ફરિયાદ કરી હતી. ત્યારબાદ આજે એરપોર્ટ પોલીસ મથકમાં ઠગાઇ સહિતની કલમ હેઠળ સંજયે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.