સબરીમાલા મામલામાં બે મહિલાઓને સુરક્ષા આપવાનો આદેશ આપતી સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી, સબરીમાલા મંદિરમાં પ્રવેશ દરમિયાન સુરક્ષા પૂરી પાડવાની અરજીની સુનાવણી આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. કોર્ટે અરજદાર રેહાના ફાતિમાની સાથે બિંદુ અમીનીને પોલીસ સુરક્ષા આપી છે. કોર્ટે આગામી સુનાવણી સુધી રક્ષણની મંજૂરી આપી છે. કોર્ટે આવતી સુનાવણી સુધી સુરક્ષા આપવાની વાત કહી છે. અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, ભૂતકાળમાં અમે આ અરજી સાથે સંબંધિત સબરીમાલા કેસને મોટી બંધારણીય બેંચને મોકલી આપ્યો છે. ટૂંક સમયમાં તેના પર સુનાવણી થશે. આ સાથે સીજેઆઈ બોબડેએ કહ્યું હતું કે, સબરીમાલા મંદિર મામલામાં નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ તે એટલું જ સાચું છે કે આ મુદ્દાને મોટી બેંચને મોકલવામાં આવ્યો છે. કોર્ટે કહ્યુ છે કે અમે નથી ઇચ્છી રહ્યા કે કોઈ પણ પ્રકારની હિંસા થાય.’
અગાઉ, ત્રણ સભ્યોની ખંડપીઠે આ અરજીની સુનાવણી કરી હતી. ખંડપીઠની અધ્યક્ષ ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે કરી રહ્યા હતા. આ ઉપરાંત ખંડપીઠમાં જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત હતા. આ અરજી કેરળની રહેતી ફાતિમા દ્વારા કરવામાં આવી હતી. જેમાં એવી માંગ કરવામાં આવી છે કે તેને સબરીમાલા મંદિરમાં પ્રવેશ દરમિયાન સુરક્ષા પૂરી પાડવામાં આવે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેને કોઈપણ શારીરિક હુમલાથી સુરક્ષિત રાખવામા આવે. ફાતિમાની અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે સબરીમાલા કેસમાં મહિલાઓને મળેલી ધમકીઓ અંગે અદાલતે કેરળ સરકારને વહેલી તકે કેસ દાખલ કરવા નિર્દેશ આપ્યા છે. ધમકીની તપાસ કરી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ એક અરજીમાં માંગ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓનાં પ્રવેશ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચાલી રહી છે. ૧૪ નવેમ્બરનાં રોજ સુપ્રીમ કોર્ટે આ મામલો ૭ સભ્યોની બેંચને આપ્યો. કેરળનાં લોકોએ પણ કોર્ટનાં આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. જો કે, કોર્ટે પહેલાથી જ તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો છે, જેના આધારે સમીક્ષાની અરજી કરવામાં આવી હતી.