સરકારી વિભાગમાં નિમણૂક પામેલા શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિના 94 ભાઈઓ-બહેનોનો યોજાશે સન્માન સમારોહ
22 ડિસેમ્બરે રાજકોટના સત્યમ પાર્ટી લોન્સ ખાતે ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું આયોજન
રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને સરકારી વિભાગમાં નિમણૂક પામેલા કુલ 94 ભાઈઓ-બહેનોના સન્માન માટેના ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકોટના નાના મવા મેઈન રોડ પર આવેલા સત્યમ પાર્ટી લોન્સમાં 22 ડિસેમ્બરે સાંજે 5 થી 8 વાગ્યા સુધી આ સન્માન સમારોહ યોજાશે. જેમાં સમાજના આગેવાનોની હાજરીમાં પોલીસ વિભાગમાં નિમણૂક પામેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. સાથે તેઓના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવશે.
વર્ષ 2012થી શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓ વિવિધ સરકારી ખાતામાં નિમણૂક પામી ચૂક્યા છે. ત્યારે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને વર્ષ 2019માં કુલ 78 ભાઈઓ-બહેનોએ પોલીસ વિભાગ અને અન્ય 16 વિદ્યાર્થીઓએ DYSO, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નશાબંધી અને આબકારી વિભાગ સહિતના અન્ય વિભાગમાં નિમણૂક પામી સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે.
ત્યારે આ તમામ 94 ભાઈઓ-બહેનોને સન્માનિત કરવા માટે 22 ડિસેમ્બરને રવિવારના રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન રાજકોટ શહેરના નાના મવા મેઈન રોડ પર આવેલા સત્યમ પાર્ટી લોન્સ ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ યોજાશે. સન્માન સમારોહની સાથે સાથે અત્યાર સુધી સરકારી સેવામાં નિમણૂક પામેલા શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિના 204 વિદ્યાર્થીઓનું સ્નેહમિલન પણ યોજાશે.
આ સન્માન સમારોહમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનના ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટના કન્વીનરો, સહ કન્વીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્યો, સોશિયલ ગ્રુપના સભ્યો, લેઉવા પટેલ સમાજના અટકથી ચાલતા પરિવાર અને સંસ્થાના સભ્યો સહિતના 5 હજારથી વધુ લોકો હાજરી આપી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવશે.