સર્વ સમાજના વિકાસની સાથે સમરસતા અને સમાજ ઉત્કર્ષ માટે સરકાર પ્રયત્નશીલ
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉંઝાના ઉમિયાનગર ખાતે તૈયાર કરવામાં આવેલી યજ્ઞશાળાની મુલાકાત લઈ મા ઉમિયાની વંદના કરી પૂજા-અર્ચના કરી નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલે ઉંઝા ખાતે શરૂ થયેલ લક્ષચંડી મહાયજ્ઞના પાવન અવસરે ઉમિયાનગર ખાતે તૈયાર કરવામાં આવેલ યજ્ઞશાળાની મુલાકાત લઇ મા ઉમિયાની ભાવસભર વંદના કરી પૂજા-અર્ચના કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌના સાથ સૌના વિકાસની વિભાવનાને પરીપૂર્ણ કરવા સમાજના તમામ લોકોને સાથે લઈ રાજ્ય સરકાર વિકાસની સાથે સમરસતા અને સમાજ ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે.
વધુમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સર્વ સમાજના હિતમાં સર્વના કલ્યાણ માટે યોજાયેલા આ મહાયજ્ઞમાં મા ઉમિયા સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના. તમામ ક્ષેત્રે અગ્રેસર અને મહેનતકશ એવા પાટીદાર સમાજને શુભેચ્છાઓ.
નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ વિશ્વભરમાં વસવાટ કરતાં પાટીદારોના કુળદેવી મા ઉમિયાના આંગણે ઉજવાઇ રહેલા પંચ દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉંઝાના આંગણે યોજાઇ રહેલા આ દિવ્ય અવસરે ૧૦૮ યજ્ઞકુંડ સાથેની યજ્ઞશાળામાં તેઓ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.
તેમની આ મુલાકાત દરમ્યાન ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ શ્રી મણીભાઇ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ, સ્થાનિક ઘારાસભ્યશ્રીઓ, પદાઘિકારીઓ – અઘિકારીઓ અને મા ઉમિયાના ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.