Western Times News

Gujarati News

સાવરકુંડલા ખાતે પરિણિતાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ

પુત્રને મારી નાખવાની ધમકીઃ રાજુલામાં પરિણીતાને માર મારી એક રૂમમાં પૂરી દઇ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું
અમદાવાદ,  ભાવનગરમાં રહેતી પરિણીતાને સાવરકુંડલામાં એસટી બસ સ્ટેન્ડ પાસેથી તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી બે શખ્સોએ અપહરણ કર્યું હતું અને રાજુલામાં લઈ જઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ બંને શખ્સો અને તેને આ ગુનામાં મદદ કરનાર મહિલા સામે પોલીસમાં ગુનો નોંધાયો છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે પણ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં રહેતી એક પરિણીતાએ આ પ્રકરણમાં રાજુલામાં રહેતા રણજીત માણકુભાઈ વાળા, તેની પત્ની ગીતાબેન રણજીતભાઈ વાળા તથા સુરેશ રાવતભાઈ ગોહિલ સામે સાવરકુંડલા શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, ગત તા.૯ નવેમ્બરના રોજ બપોરના બારેક વાગ્યાના સુમારે સાવરકુંડલાના બસ સ્ટેન્ડ પાસે ઊભી હતી ત્યારે રણજીત અને ગીતાબેન તેની પાસે આવ્યા હતા અને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી રાજુલા લઈ ગયા હતા. રાજુલામાં રણજીત અને સુરેશ ગોહિલે તેને ઢીકાપાટુનો માર મારી એક રૂમમાં પૂરી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ બન્ને શખ્સો પાસેથી છટકી મહિલા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તેણે આ બન્ને શખ્સો ઉપરાંત તેને મદદ કરનાર ગીતાબેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અન્ય એક બનાવમાં, રાજકોટના કુલબીયાપરા વિસ્તારમાં શારીરિક છેડતીની એક ઘટના સામે આવી છે.

જેમાં વિજય રાયધનભાઇ નામના શખ્સે મોડી રાતે ઝુંપડામાં પતિ-બાળકો સાથે સુતેલી એક મહિલાની બાજુમાં સુઇ જઇ તેની સાથે શારીરિક અડપલા કરતાં દેકારો મચી ગયો હતો. બધા જાગી જતાં આ શખ્સ ભાગી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનારે જ્ઞાતિના આગેવાનો સાથે વાત કર્યા બાદ થોરાળા પોલીસ મથકમાં પહોંચી જાણ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી વિજય સામે આઇપીસી ૪૫૨, ૩૫૪ (એ) મુજબ ગેરકાયદે ઝુપડામાં ઘૂસી શારીરિક અડપલા કરવા સબબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.