સેટેલાઈટમાં રીક્ષા ગેંગ ત્રાટકીઃ રાજકોટની મહિલાના દાગીનાની લૂંટ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં રીક્ષામાં ફરતી તસ્કર ટોળકીનો આંતક દિવસેને દિવસે વધી ગયો છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવી ટોળકીઓ ત્રાટકીને પ્રવાસીઓના કિંમતી મુદ્દામાલની ચોરી અને લુંટ કરી ફરાર થઈ જાય છે રાજકોટથી આવેલી એક મહિલાને રીક્ષામાં બેઠેલી તસ્કર ટોળકીએ નજર ચુકવીને તેમની થેલીમાંથી રૂ.૯૬ હજારના સોનાના દાગીના ચોરી કરી પલાયન થઈ જતાં સનસનાટી મચી ગઈ છે.
આ અંગે સેટેલાઈટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ શહેરમાં પટેલ આઈસ્ક્રીમની બાજુમાં રેસકોર્સ રોડ પર આવેલા સન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા શારદાબેન બોરડ નામની વૃધ્ધ મહિલા રાજકોટથી અમદાવાદ આવી હતી તે રીક્ષામાં બેસી નહેરુનગર સર્કલથી ધરણીધર બ્રીજ સુધી જવા માટે શટલ રીક્ષામાં બેસતા જ તેમને તસ્કર ટોળકી ભેટી ગઈ હતી રીક્ષામાં અગાઉથી જ ચાર અજાણ્યા શખ્સો બેઠેલા હતા.
આ શખ્સોએ શારદાબેનની બેગમાંથી રૂ.૯૬ હજારની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી શારદબેન ઘરે પહોંચ્યા બાદ તપાસ કરતા બેગમાંથી સોનાના દાગીના ચોરી થઈ ગયાનું માલુમ પડયું હતું જેના પગલે તાત્કાલિક શારદાબેને સેટેલાઈટ પોલીસ સ્ટેશને પહોચી જઈ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સેટેલાઈટ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ખુલ્લેઆમ શટલ રીક્ષાઓ દોડી રહી છે પરંતુ ટ્રાફિક નિયમન કરવાના મુદ્દે માત્ર ટુ વ્હીલરો સામે જ કાર્યવાહી કરવામાં આવતી હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે
આવી રીક્ષાઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના પરિણામે નાગરિકોમાં અસંતોષની લાગણી જાવા મળી રહી છે. શહેરમાં ઠેરઠેર ગઈકાલથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે તેમ છતાં શટલ રીક્ષાઓ દોડી રહી છે.