સ્ટીંગ ઓપરેશન કરી વહેપારી પાસેથી રૂ.૧૦ લાખની ખંડણી માંગી
વાસણા પોલીસે ગુનો દાખલ કરી બે શખ્સોની ધરપકડ કર્યાંની ચર્ચા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઈકાલે વાસણા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે જેમાં દવા ક્ષેત્ર સાથે સંકળાયેલા એક વહેપારીને સ્ટીંગ ઓપરેશન કરી તેની પાસેથી રૂ.૧૦ લાખની રકમ પડાવવાનો પ્રયાસ કરનાર છ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ સઘન તપાસ શરૂ કરી દીધી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં દવા ક્ષેત્ર સાથે સંકળાયેલા એક વહેપારીની કેટલાક શખ્સોએ પત્રકારોના નામે સ્ટીંગ ઓપરેશન કર્યું હતું અને ત્યારબાદ આ વહેપારીને વાસણા ખાતે આવેલી પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા અને તેમાં આ વિડીયો કુટેજ બતાવી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી અને રૂ.૧૦ લાખની માતબર રકમ પણ માંગી હતી આ માટે થઈને તેમને અવારનવાર ધમકીઓ પણ આપવામાં આવતી હતી જેના પરિણામે આ વહેપારીએ આખરે કંટાળીને વાસણા પોલીસ સ્ટેશનમાં સમગ્ર હકીકત જણાવતા પોલીસ અધિકારીઓ ચોંકી હતાં અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
પોલીસે શરૂ કરેલી તપાસમાં બે યુવતિઓ સહીત કુલ છ શખ્સોના નામો બહાર આવ્યા હતા અને તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં હતાં ખૂબ જ ગંભીર ગણાતા આ ગુનામાં પોલીસ અધિકારીઓ ખૂબ જ સાવચેતી પૂર્વક આગળ વધતા હતા અને ગઈકાલે રાત્રે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળી રહયું છે જાકે સત્તાવાર જાણવા મળ્યું નથી. બીજીબાજુ પ્રાથમિક તપાસમાં તેવુ પણ જાણવા મળ્યું છે કે આ આરોપીઓ દ્વારા વાસણા ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ આજ રીતે સ્ટીંગ ઓપરેશન કરી વહેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી નાણાં પડાવી રહયા છે.
પરંતુ દવા ક્ષેત્ર સાથે સંકળાયેલા આ વહેપારીએ હિંમત દાખવીને ફરિયાદ નોંધાવતા સમગ્ર હકીકત બહાર આવી છે. વહેપારીની ફરિયાદ બાદ વાસણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરાવવામાં આવતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પૈસા પડાવવા માટે આરોપીઓ વાસણા સ્થિતપોતાની ઓફિસમાં જ ભોગ બનનારાઓને બોલાવતા હતા અને ઓફિસમાં પ્રવેશ કરે તે પહેલા તમામના મોબાઈલ ફોન, પેન સહિતની વસ્તુઓ બહાર મુકાવી દેતા હતાં અને ત્યારબાદ તેઓને ઓફિસમાં એન્ટ્રી આપવામાં આવતી હતી
ઓફિસમાં ર્સ્ટીંગ ઓપરેશન દરમિયાન બનાવવામાં આવેલો વિડીયો વહેપારીઓને બતાવવામાં આવતો હતો અને ત્યારબાદ તેઓની પાસેથી રકમની માંગણી કરવામાં આવતી હતી વાસણાના આ વહેપારી પાસે પણ આવું જ બન્યું હતું. સમગ્ર હકીકત જાણ્યા બાદ પોલીસ અધિકારીઓએ બે શખ્સોની સામે સઘન તપાસ શરૂ કરી છે અને કુલ ૬ વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો છે. આરોપીઓએ ન્યુઝ ચેનલના નામે તોડ કરતા હોવાની વિગતો બહાર આવી રહી છે અને આજ સાંજ સુધીમાં પોલીસ અધિકારીઓ દ્વારા નિર્ણાયક કામગીરી કરવામાં આવે તેવું મનાઈ રહયું છે.