હવે બિહારમાં ઉન્નાવ જેવી હેવાનિયત, ગર્ભવતી યુવતીને જીવતી સળગાવી
પટણા, હૈદરાબાદ અને ઉન્નાવની ઘટનાના પડઘા હજુ સમ્યા નથી એવામાં ફરી એક હેવાનિયતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. બિહારના બેતિયામાં યૂપીના ઉન્નાવ જેવી જ એક હેવાનીયતની ઘટના સામે આવી છે. અહીં એક યુવકે યુવતી પર કેરોસીન છાંટી જીવતી સળગાવી દીધી.
પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતી ગર્ભવતી છે અને તે લગભગ ૮૦ ટકા સળગી ગઈ છે. આ ઘટના જિલ્લાના નરકટિયાગંજના મહમ્મદપુરની છે. બતાવવામાં આવી રહ્યું છે કે, યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને ગર્ભવતી થયા બાદ યુવતી સાથે લગ્ન કરવાનું દબાણ કરી રહ્યો હતો. ત્યારબાદ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો.
પોલીસે આને રેપની ઘટના નથી માની. બેતિયાની એસપી નિતાશા ગુડિયાના જણાવ્યા અનુસાર, યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને પીડિતા ગર્ભવતી તઈ હતી. ત્યારબાદ આરોપી યુવક તેને લગ્ન માટે વારંવાર દબાણ કરતો હતો. માનવામાં આવી રહ્યું છે કે, નારાજ યુવકે તેને જીવતી સળગાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો. એસપીએ કહ્યું કે, પીડિતા અથવા તેના પરિવારે આ મામલામાં રેપની લેખિત ફરિયાદ નથી કરી.પોલીસ અનુસાર, મામલાની તપાસ માટે ટીમની રચના કરવામાં આવી છે. આરોપી ઘટના બાદથી ફરાર છે. પીડિતાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આરોપીની શોધમાં પોલીસ લાગી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ રેપના આરોપીઓએ જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ કેરોસીન છાંટી યુવતીને જીવતી સળગાવી દીધી હતી. ત્યારબાદ ૯૦ ટકા સળગી ગયેલી પીડિતાએ દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં દમ તોડ્યો. આ ઘટના બાદ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.