હાટકેશ્વરમાં લુખ્ખા તત્ત્વોનો આંતકઃ નજીવી બાબતમાં ચપ્પાથી હુમલો
રીક્ષા પાર્ક કરવાની નજીવી બાબતમાં ત્રણ શખ્સોએ યુવક પર ચપ્પાથી કરેલો હુમલો |
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પરિસ્થિતિ કથળી રહી છે અને લુખ્ખા તત્વો આંતક મચાવી રહયા છે. નાની નાની બાબતોમાં હુમલો અને હત્યાની ઘટનાઓથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. ગઈકાલે રીક્ષા પાર્ક કરવાની નજીવી બાબતમાં ત્રણ જેટલા શખ્સોએ રીક્ષાનો કાચ તોડી તેના ચાલક પર ચપ્પાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાતા ભારે હોબાળો મચી ગયો છે. સદ્નસીબે રીક્ષાચાલકનો દોઢ વર્ષનો પુત્ર બની ગયો હતો. આ ઘટનાથી અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે. યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના વટવા વિસ્તારમાં ડેરીયાપરાના ભરવાડ વાસમાં રહેતા કાળુભાઈ ખેતાભાઈ નામનો રપ વર્ષનો યુવક ગઈકાલે બપોરના સમયે પોતાની પત્નિ તથા દોઢ વર્ષના પુત્ર અને કાકીને પોતાની રીક્ષામાં બેસાડી અમરાઈવાડી હાટકેશ્વર પાસે શાકમાર્કેટ નજીક આવેલી બંધન બેંકમાં આવ્યો હતો બંધન બેંકમાંથી મહિલાઓ માટે લોન લેવાની તજવીજ તેણે શરૂ કરી હતી અને આ માટે તે પોતાની પત્નિ અને કાકીને લઈને આવ્યો હતો. બેંકની અંદર તેની પÂત્ન અને કાકી ગયા હતા જયારે તે પોતે પોતાના દોઢ વર્ષના પુત્રને લઈ રીક્ષામાં બેઠો હતો.
કાળુભાઈ પોતાના માસુમ પુત્ર સાથે રીક્ષા લઈ નજીકમાં જ આવેલા સરિતા એપાર્ટમેન્ટના ઝાંપા પાસે રીક્ષા પાર્ક કરીને રીક્ષામાં જ પુત્રને રમાડતો હતો આ દરમિયાનમાં અચાનક જ એક શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને કાળુભાઈને રીક્ષા પાર્ક કરવાના મુદ્દે ઉગ્ર અવાજે બોલવા લાગ્યો હતો કાળુભાઈએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઉશ્કેરાયેલા શખ્સે કાળુભાઈ સાથે ઝપાઝપી કરતા મામલો બીચકયો હતો. ધક્કા મુક્કી થતાં ઉશ્કેરાયેલો શખ્સ જમીન પર પટકાયો હતો અને જેના પરિણામે તેણે પોતાના બે સાગરિતોને બોલાવી લીધા હતા.
રીક્ષા પાર્ક કરવાની નજીવી બાબતમાં મારામારી થતાં જ ઉશ્કેરાયેલા શખ્સે અને તેના બે સાગરિતોએ કાળુભાઈ પર હુમલો કર્યો હતો બંને શખ્સોએ કાળુભાઈને પકડી રાખ્યો હતો જયારે ઉશ્કેરાયેલા શખ્સે પોતાની પાસેથી તીક્ષ્ણ ધારવાળુ ચપ્પુ કાઢયુ હતું અને તેના પર હુમલો કર્યો હતો ચપ્પાનો ઘા કાળુભાઈના ખભા પર વાગતા લોહી નીકળવા લાગ્યું હતું આ દરમિયાનમાં બુમાબુમ થઈ જતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં.
આ દરમિયાનમાં આ ત્રણેય શખ્સોએ ફરી વખત કાળુભાઈને ધમકી આપી જણાવ્યું હતું કે મારૂ નામ ધર્મેન્દ્ર ગીલ છે અને તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી ત્યાંથી ભાગી છુટયા હતા. એકત્ર થયેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. કાળુભાઈનો માસુમ પુત્ર પણ રડવા લાગ્યો હતો આ દરમિયાનમાં ભારે હોહામચી જતાં બેંકમાંથી કાળુભાઈની પત્નિ અને તેની કાકી દોડી આવ્યા હતાં. કાળુભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેની હાલત સુધારા પર છે. બીજીબાજુ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ એલ.જી.હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ત્યાં કાળુભાઈની પુછપરછ કરતા કાળુભાઈએ સમગ્ર હકીકત જણાવી હતી. અમરાઈવાડી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.