હિંદુઓ પર હુમલા અંગે મોદી સરકારે બાંગ્લાદેશને આપ્યો કડક સંદેશ
બાગ્લાદેશમાં હિંદુઓ પર વાંરવાર હુમલો કરાય છે
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સરકારને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે તમામ પગલાં લેવાનું આહ્વાન કર્યું
નવી દિલ્હી,
ભારતીય વિદેશ મંત્રાલયએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુ સમુદાયોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘જ્યાં સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓની સ્થિતિનો સંબંધ છે, અમે અમારો વિરોધ ખૂબ જ સ્પષ્ટ કરી દીધો છે. અમે બાંગ્લાદેશ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે કે, તેણે હિંદુ સમુદાયો અને તેમના હિતોને સુરક્ષા અને રક્ષણ આપવાની જવાબદારી લેવી જોઈએ.’બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને અટકાયત અંગે જયસ્વાલે કહ્યું કે, અમે ઈસ્કોનને સામાજિક સેવાના મજબૂત રેકોર્ડ સાથે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત સંસ્થા તરીકે જોઈએ છીએ.
જ્યાં સુધી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનો સવાલ છે, અમે અમારું નિવેદન આપી દીધું છે. આ મામલે તેમની સામે કાર્યવાહી ચાલી રહી છે. અમે આશા રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે આ કાર્યવાહી ન્યાયી, સમાન અને પારદર્શક રીતે કરવામાં આવશે. જેથી આ વ્યક્તિઓ અને સંબંધિતો તમામ લોકો માટે સંપૂર્ણ સન્માન સુનિશ્ચિત કરી શકાય.’જયસ્વાલે વધુમાં કહ્યું કે, ‘અમે આક્રમક નિવેદન, હિંસા અને ઉશ્કેરણીજનક ઘટનાઓથી ચિંતિત છીએ. ‘અમે ફરી એકવાર બાંગ્લાદેશને લઘુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં લેવાનું આહ્વાન કરીએ છીએ.’ભારતથી બાંગ્લાદેશને માલસામાનની સપ્લાય પર જયસ્વાલે કહ્યું, ‘ભારતથી બાંગ્લાદેશને માલની સપ્લાય ચાલુ છે.
એ જ રીતે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે બંને તરફથી વેપાર ચાલી રહ્યો છે.બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર હુમલા પાછળ કથિત રીતે બાંગ્લાદેશના જમાત-ઉલ-મુજાહિદ્દીન લોકોનો હાથ છે. ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના આંદોલનને કારણે શેખ હસીનાની સરકાર પડી ગઈ. આ હિંસા દરમિયાન બાંગ્લાદેશની ઘણી જેલોમાંથી લગભગ ૭૦૦ કેદીઓ પણ ભાગી ગયા હતા. આમાંના ઘણા કેદીઓ જમાત-ઉલ-મુજાહિદ્દીનના સમર્થક હતા. વિદ્યાર્થી આંદોલન દરમિયાન હિંદુઓ અને અન્ય લઘુમતીઓ સામે શરૂ થયેલી હિંસા હજુ પણ ચાલુ છે.