હિમાચલમાં ઓરેન્જ તો ઉત્તરાખંડમાં રેડ એલર્ટ જાહેર
નવીદિલ્હી: દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ, આગામી ૨૪ કલાકમાં ઉત્તરાખંડનાં પાંચ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ગઈકાલથી દહેરાદૂન, મસૂરી, ઋષિકેશ, ઉત્તરકાશી અને હરિદ્વારમાં વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે આજે પણ અહીં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અહીં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. રુદ્રપ્રયાગ-ગૌરી કુંડ હાઇવે સૌડી વરસાદનાં કારણે બંધ છે.
આઇએમડીએ દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિભાગનાં જણાવ્યા પ્રમાણે, આગામી ૨૪ કલાક દરમ્યાન દિલ્હી-એનસીઆરમાં હળવા વરસાદ પડી શકે છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળે તેવી સંભાવના છે. આઇએમડીએ અહીં યેલો એલર્ટ અને મંગળવારે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. વરસાદની ઋતુમાં અહીં હળવા પવનની સંભાવના છે. માત્ર દિલ્હી જ નહીં, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદ, પંજાબમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે અહીં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પૂરથી પીડિત કર્ણાટક, મહારાષ્ટ્રમાં
આજે પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલમાં ઓરેન્જ એલર્ટ આજે પણ યથાવત છે.
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. નાગપુર, કોલ્હાપુર, રાયગઢ, રત્નાગિરી અને સતારા સહિતનાં કેટલાક જિલ્લાઓ ભારે પૂરની ચપેટમાં છે અને એનડીઆરએફ ટીમો લોકોને બચાવવા સતત પ્રયાસો કરી રહી છે. સ્કાયમેટે કહ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમ્યાન કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ૨૮ જુલાઈ સુધી પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢમાં વરસાદનાં કારણે ત્યાં પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.
વળી કર્ણાટકમાં ભારે વરસાદ બાદ શિવમોગા, ચિકમગલૂર, કોડાગુ, હસન અને બેલાગવી જિલ્લામાં હવે ભૂસ્ખલનનો ખતરો લોકોને પરેશાન કરી રહ્યો છે. એક અઠવાડિયાથી ભારે વરસાદને કારણે શિવમોગા જિલ્લાનાં તીર્થહલ્લી અને સાગર તાલુકોમાંથી અનેક ભૂસ્ખલનનાંં અહેવાલો મળ્યા છે. વળી ૨૬-૨૭ જુલાઇ સુધી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનનાં પૂર્વ ભાગો, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને અંદમાન-નિકોબાર આઇલેન્ડ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, દક્ષિણ અને દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તમિલનાડુનાં કેટલાક ભાગોમાં અને કર્ણાટક, કેરળ અને દક્ષિણ મધ્યપ્રદેશનાં કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.