Western Times News

Gujarati News

૧૦૦ મંજૂર ટી.પી.માં ૨૯ ડ્રાફટ તથા ૩૧ ફાઇનલ ટી.પી.નો સમાવેશ

૨૦૧૯માં સતત બીજા વર્ષે TP-ડી.પી.ની મંજૂરીનો આંક શતકને પાર  ૧૦૦ ટી.પી અને ૧૨ ડી.પી

એક જ દિવસમાં ૯ ટી.પી ૧ ડી.પી મંજૂર કરવાની ત્વરિત નિર્ણાયકતા દાખવતા શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત તમામ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે. ખાસ કરીને શહેરી ક્ષેત્રોના વિકાસ અને શહેરી આયોજનના નિર્ણયો ખૂબ જ ત્વરાએ લઇને નાગરિક લક્ષી શહેરી સુવિધાઓ આપવામાં ગુજરાતે લીડ લીધી છે.

       શ્રી વિજયભાઇ રૂપાણીએ આ જ અભિગમને આગળ ધપાવતાં આજે ૨૦૧૯ના વર્ષાંતે એક જ દિવસમાં ભાવનગરની ૦૪ ડ્રાફટ સ્કીમને અને વડોદરાની ૦૧ ડ્રાફટ, નડીયાદની ૦૨ ફાઈનલ ટીપી તથા અમદાવાદની ૦૨ પ્રીલીમીનરી ટીપી મળી કુલ ૦૯ ટાઉન પ્લાનીંગ સ્કીમ તથા ધોરાજીના ડેવલપમેન્ટ પ્લાનને પ્રાથમિક મંજુરી આપી છે. ધોરાજી શહેરના વિકાસને ધ્યાને લેતા રાજય સરકારે ધોરાજીના નકશામાં વધારાનો રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તાર પણ સૂચવાયો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુરૂવારે મંજુર કરેલી ટાઉન પ્લાનીંગ સ્કીમોમાં અમદાવાદની બે  પ્રારંભિક ટીપી ૨૮ (નવા વાડજ) ગ્રીન બેલ્ટ વાળી તથા ૦૨ થલતેજ (પ્રથમ ફેરફાર) સહ નડીયાદની ફાઈનલ ટીપી સ્કીમનં. ૦૪ અને ૫નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગરમાં વિકસતા વિસ્તારની ૦૪  ડ્રાફટ ટીપી સ્કીમ નં.૨૩ (તરસમીયા), ૨૪ (ચિત્રા), ૨૫ (ફુલસર), ૨૫(નારી) તથા વડોદરાની નં. ૨૫(સ્પેશ્યલ નોલેજ નોડ-૨, ટેકનોલોજી પાર્ક) મંજુરી આપી છે.

૨૦૧૯ના વર્ષમાં ફાયનલ ડેવલપમેન્ટ પ્લાન મંજુરીમાં ધ્રાંગધ્રા, બોરસદ, ભુજ, વાપી, કરજણ, ઝઘડીયા-સુલતાનપુર, શામળાજી અને વિરમગામનો સમાવેશ જેમાં વિરમગામ ડીપીને સીધી ફાઈનલ મંજુરી આપવામાં આવી છે.

ધોરાજી, વિજાપુર, થાનગઢ સહિત સુડા ડીપીના પ્રાથમિક જાહેરનામા પ્રસિધ્ધ થવાથી ખાસ કરી ધોરાજી અને થાનગઢમાં ઔદ્યોગિક અને પોટરી ઉદ્યોગના વિકાસની તકો પણ વધુ વિકસી છે.

આ વર્ષે બાર ડીપી મંજુર થવાથી નાના અને મધ્યમ કક્ષાના શહેરોમાં પણ આયોજનબધ્ધ વિકાસ થવાથી અને એફોર્ડેબલ હાઉસીંગની તકો વઘવાથી લોકોના “ઘરનું ઘર” નું સ્વપ્ન ત્વરાએ સાકાર કરવામાં પણ આ સરકાર નિર્ણાયક બની છે.

૧૦૦ ટાઉન પ્લાનીંગ સ્કીમોમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, બીલીમોરા, ઉંઝા અને નડીયાદ શહેરોની સ્કીમોનો સમાવેશ થાય છે.

તદ્દઅનુસાર, કુલ-૨૯ મંજુર ડ્રાફટ ટીપીમાં અમદાવાદ શહેરની ૧૫ સ્કીમો, સુરતની ૦૩, નડીયાદની ૦૨, વડોદરાની ૦૩ અને ભાવનગરની ૦૬ ટીપી સ્કીમોનો, ૪૦ મંજુર પ્રીલીમીનરી ટીપીમાં અમદાવાદની ૨૧ સ્કીમો, સુરતની ૦૭, રાજકોટની ૦૩, ગાંધીનગરની ૦૩, વડોદરાની ૦૪ અને ભાવનગર, બીલીમોરાની ૧-૧ ટીપી સ્કીમોનો  સમાવેશ થાય છે. કુલ-૩૧ મંજુર થયેલી ફાઈનલ ટીપીમાં અમદાવાદની ૧૦, રાજકોટ – સુરતની ૦૫-૦૫, ગાંધીનગરની ૦૪, ઉંઝાની ૦૩ અને વડોદરા અને નડીયાદની ૦૨-૦૨ સ્કીમો આવરી લેવાઇ છે.

ખાસ કરી સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા ભાવનગર શહેરમાં રાજાશાહીના વખતથી ટાઉન પ્લાનીંગનું એક મહત્વ રહેલું છે. ભાવનગર મહાનગપાલિકા વિસ્તારમાં ટીપી સ્કીમનં. ૨૩ (તરસમીયા), ૨૪ (ચિત્રા), ૨૫(ફુલસર) અને ૨૬(નારી)ને મંજુરી આપીને ભાવનગરવાસીઓ માટે વર્ષ ૨૦૨૦નું નવું વર્ષ ઉત્સાહભર્યુ રહેશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રતિતિ કરાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ મંજુર કરેલ ભાવનગરની ૦૪ ડ્રાફટ ટીપીને કારણે વધુ ૮૮૦ હેકટર્સ ઉપરાંતની જમીનોનો સુઆયોજીત વિકાસ થઈ શકશે. અંદાજીત રૂા.૪૦૦ કરોડના કામો પણ ૦૪ ટીપી સ્કીમમાં કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

આ ડ્રાફટ મંજુરીથી શહેરને ૧૩૦ હેકટર્સ જેટલી જમીન રસ્તાઓ માટે અને આશરે ૫૨.૦૦ હેકટર્સ જમીન ભાવનગર મહાનગરપાલિકાને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસીલીટીઝ માટે તેમજ આશરે ૩૨ હેકટર ઉપરાંત જમીન આર્થિક – સામાજીક વર્ગના લોકોના રહેણાંક માટે તેમજ આશરે ૭૫.૦૦ હેકટર્સ જમીન વાણિજ્ય અને રહેઠાણના વેચાણ હેતુ માટે સંપ્રાપ્ત થવાની છે.

ખાસ કરીને  આ ૦૪ ડ્રાફટ સ્કીમ મંજુર થવાથી આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૩,૨૮,૧૬૯ ચો.મી. જેટલી આશરે જમીન સંપ્રાપ્ત થતા, ભાવનગર શહેરમાં સામાન્ય માનવીના ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ થવામાં કદમ આગળ વધશે. તદઉપરાંત જાહેર સુવિધા માટે ૨,૯૮,૫૦૨ ચો.મી. અને ખુલ્લી જગ્યા / બાગ બગીચા માટે ૨,૨૧,૨૪૯ ચો.મી. જમીન સંપ્રાપ્ત થતા, વિકાસના ફાસ્ટટ્રેક પર ભાવનગર શહેરને મુખ્યમંત્રીશ્રીએ મૂકી દીધુ છે.

મુખ્યમંત્રીશ્રીએ વડોદરા શહેરની ડ્રાફટ ટીપી સ્કીમના નં. ૨૫(નોલેજ નોડ-૨ ટેકનોલોજી પાર્ક) (બાપોદ-હનુમંતપુરા-ણખોલ ખટંબા)ને પણ મંજુરી આપેલ છે.

મુખ્યમંત્રીશ્રીએ મંજુર કરેલી વડોદરાની આ ડ્રાફટ ટીપીને કારણે વધુ ૩૨૧ હેકટર્સ જમીનોનો સુઆયોજીત વિકાસ થઈ શકશે. અંદાજીત રૂા.૪૦૦ કરોડના કામો પણ ૦૪ ટીપી સ્કીમમાં કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

આના પરિણામે શહેરને ૫૮ હેકટર્સ જેટલી જમીન રસ્તાઓ માટે અને આશરે ૧૦.૦૦ હેકટર્સ જમીન વડોદરા મહાનગરપાલિકાને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસીલીટીઝ માટે તેમજ આશરે ૫ હેકટર ઉપરાંત જમીન આર્થિક – સામાજીક વર્ગના લોકોના રહેણાંક માટે તેમજ આશરે ૪૨.૦૦ હેકટર્સ જમીન વાણિજ્ય અને રહેઠાણના વેચાણ હેતુ માટે સંપ્રાપ્ત થવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ જે ઝડપથી ડ્રાફટ સ્કીમને મંજુરી આપવામાં આવે છે તે જ રીતે ઝડપી કાર્યવાહીથી આ ડ્રાફટ ટીપીમાં રસ્તા તેમજ આંતરમાળખાકીય સુવિધાનું અમલીકરણ થવા માંડે તે માટે સત્તામંડળોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

તેમણે આ બધી ડ્રાફટ સ્કીમ ત્વરાએ ફાઈનલ કરવા ટાઉન પ્લાનીંગ ઓફીસર્સને તાકિદ પણ કરી છે.

  • મુખ્યત્વે વર્ષ ૨૦૧૯માં અમદાવાદની કુલ-૪૬ ટીપી સ્કીમ જ્યારે સુરતની ૧૫ અને રાજકોટની ૦૮ ટીપી સ્કીમ અને બાકીના શહેરોની ૩૧ ટીપી સ્કીમો મળી ૧૦૦ ટીપી સતત બીજા વર્ષે મંજુર કરવામાં આવી. ટાઉન પ્લાનીંગ ડીપાર્ટમેન્ટના ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ સ્કીમો સતત બે વર્ષ સુધી મંજુર કરવાનો વિક્રમ તેમણે પ્રસ્થાપિત કર્યા છે.
  • મંજુર કરાયેલ વિકાસ યોજનામાં સમાવિષ્ટ થતા વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે, રસ્તાઓ, ડ્રેનેજ, પાણીની સુવિધા, ડ્રેનેજ, પાણીની સુવિધા, સ્ટ્રીટ લાઈટ, વિગેરે પુરી પાડવા માટે સંબંધિત સમુચિત સત્તામંડળ દ્વારા અધિનિયમની જોગવાઈ હેઠળ મુસદ્દારૂપ નગરરચના યોજના બનાવવામાં આવે છે. મંજુર થયા બાદ સત્તા મંડળ રસ્તાઓની સુવિધા પુરી પાડી શકે છે. ડ્રાફટ સ્કીમની મંજુરી મળવાથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથોસાથ આંતરમાળખાકીય સુવિધાઓમાં વૃધ્ધિ થશે.
  • જ્યારે પ્રારંભિક નગર રચના યોજના મંજુર થયા બાદ સત્તા મંડળને જાહેર સુવિધા માટે સંપ્રાપ્ત થતા પ્લોટોનો સત્તામંડળ કબજો મેળવી વિકાસ કરી શકે છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ વિભાગનો પણ હવાલો ધરાવે છે તે ગમે તેટલા વ્યસ્ત કાર્યક્રમમાં પણ શહેરી વિકાસમાં ડીપી / ટીપીની મંજુરી શહેરના વિકાસના વેગમાં મહત્વની બાબત ગણતા, અકલ્પનીય ઝડપથી સચોટ નિર્ણય શક્તિ અને વિશ્વાસ સાથે ઘણા ઓછા સમયમાં ડીપી / ટીપીને મંજુરી આપે છે. કેટલાંક કિસ્સાઓમાં તો મુખ્યમંત્રીશ્રી દ્વારા તેઓ સમક્ષ રજુ કરાયેલ ડીપી / ટીપીને તે જ દિવસે મંજુરી આપી નિર્ણય શક્તિનો અને નો પેન્ડન્સીનો અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી વિકાસ વિસ્તારમાં  નાગરિકોને સુખ સુવિધાઓમળી રહે  તે માટે વિના વિલંબે નાગરીકલક્ષી હકારાત્મક અભિગમથી ત્વરીત કામ કરવા અધિકારીઓને તાકીદ કરી છે. જેની ફલશ્રુતિએ આ  વર્ષમાં કુલ-૧૧૨ જેટલી ડીપી / ટીપીને મંજુરી આપી શહેરી વિસ્તારમાં ખરા અર્થમાં લોકોની મુશ્કેલીઓને નિવારવાની કામગીરીને નવી દિશા આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.