૩ જિલ્લા પંચાયત, ૪૧ તાલુકા પંચાયતની ૨૯મીએ ચૂંટણી
અમદાવાદ: રાજ્યમાં ફરીવાર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે રાજ્ય ચૂંટણી પંચે ત્રણ જિલ્લા પંચાયત બેઠકો અને ૪૧ તાલુકા પંચાયત બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરી છે. ત્રણ જિલ્લા પંચાયત અને ૪૧ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતની સત્તા હસ્તગત કરવાના ભાગરૂપે ચૂંટણી રણનીતિ અને સમગ્ર કવાયત તેજ કરી દેવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, રાજયની ત્રણ જિલ્લા પંચાયત અને ૪૧ તાલુકા પંચાયતોની આ પેટાચૂંટણી માટે તા.૯ ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. જ્યારે તા.૧૭ ડિસેમ્બર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. જ્યારે તા.૨૯ ડિસેમ્બર(રવિવાર)ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ જા કોઇ સંજાગો કે પરિસ્થિતિમાં પુનઃમતદાન યોજવું પડે તો તે તા.૩૦ ડિસેમ્બરના રોજ યોજાશે.
ચૂંટણી પૂર્ણ થયા બાદ આખરે તા.૩૧ ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે. મહત્વનું છે કે, અમદાવાદ જિલ્લા પંચાયતની બે હેબતપુર અને શિયાળ બેઠક પર જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર ચૂંટણી યોજાશે. બંને પક્ષો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાસમાન હોઇ સ્થાનિક નેતાઓ, સંગઠનના આગેવાનો અને કાર્યકરોને પણ હવે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ સૂચિત કરી કામે લાગી જવા તાકીદ કરી દેવાઇ છે.