૮ જાન્યુઆરીના દિવસે બેંક અને વીમા કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલ
ચેન્નાઇ, ભારતીય બેન્કિંગ ક્ષેત્રના મુખ્ય યુનિયનોએ ૨૦૨૦ની ૮ જાન્યુઆરીએ કેન્દ્રિત ટ્રેડ યુનિયનો દ્વવારા આયોજિત હડતાલમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાણકાર અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના ટોચના નેતાએ આપી છે. પોતાના નિવેદનમાં એઆઇબીઇએના મહાસચિવ સી.એચ. વેંકટચલમે કહ્યું છે કે ૧૦ કેન્દ્રિય ટ્રેડ યુનિયનોએ ૮ જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાલની જાહેરાત કરી છે.
તેમણે માહિતી આપી છે કે આ હડતાલ કેન્દ્ર સરકારની મજદૂર વિરોધી નીતિ વિરૂદ્ધ કરવામાં આવશે. આ હડતાલ વખતે નોકરીઓની સુરક્ષા, રોજગાર સર્જન તેમજ શ્રમના કાયદાઓમાં સુધારણાની માગણી કરવામાં આવશે. વેંકટચલમ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બેન્કિંગ ક્ષેત્રના મુખ્ય યુનિયન એઆઇબીઇએ,એઆઇબીઓએ,બીએએફઆઇ આઇએનબીઇએફ અને આઇએનબીઓસી પણ આ હડતાલમાં ભાગ લેવાના છે. આ સિવાય ભારતીય રિઝર્વ બેંક, સહકારી બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક તેમજ ભારતીય જીવન વિમા નિગમના કર્મચારીઓ પણ આ હડતાલનો હિસ્સો બનશે.