અંકલેશ્વરઃ માર્ચ મહિનામાં થયેલ 20 લાખની ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલાયો
ભરૂચ એલસીબી પોલીસે ફરિયાદી ના ડ્રાઈવર સહિત ચાર ને ઝડપી પાડયા : અન્ય બે ની પણ સંડોવણી- ડ્રાઈવરને રૂપિયા ની જરૂર હોવાથી સાગરીતો સાથે ગુનાને અંજામ આપ્યો હતો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વરમાં માર્ચ માસમાં થયેલ રૂપિયા 20 લાખની થયેલ ચીલઝડપના બનાવ નો ભેદ સીસીટીવી ફૂટેજ ના આધારે ઉકેલી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદી ના ડ્રાઈવર સહિત 4 આરોપીની ધરપકડ કરી છે.જ્યારે અન્ય બે હજુ પોલીસ પકડ થી દુર છે.પોલીસ તપાસ માં ફરિયાદીના ડ્રાઈવર ને રૂપિયાની જરૂર હોય અન્ય સાગરીતોની મદદથી ગુન્હાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
અંકલેશ્વર ના પ્રતિન ત્રણ રસ્તા પાસે માર્ચ મહિનામાં સિલ્વર પ્લાઝા પાસે થયેલ રૂપિયા 20 લાખની ચીલ ઝડપ નો ચકચારી બનાવ બન્યો હતો.જેમાં અંકલેશ્વર ના અનોખીલાલ રતનલાલ જૈન તથા તેમના ડ્રાઈવર હરેશભાઈ પટેલ અંકલેશ્વર જીઆઈડીસી પ્રતિન ત્રણ રસ્તા સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ વી – પટેલ આંગડીયા પેઢીમાં રૂપીયા 100 અને રૂપીયા 500 ના દરની નોટો લેવા ગયા હતા.ત્યારે પુરતી નોટો ન હોય રૂપીયા લઈને પોતાની કાર પાસે આવી ગાડી ચાલુ કરી રીવર્સ લેતા ગાડીના ખાલી સાઈડનો દરવાજો ખુલ્લો હોય,
કાર થોભાવી બન્ને જણાં ઉતરી પાછળ જઈ ફરી આવી કારમાં બેસતા રૂપીયા 20 લાખ ભરેલ થેલો જણાયેલ નહીં.જેથી કોઈ અજાણ્યા ઈસમ કારનો પાછળનો ખાલી સાઈડનો પાછળનો દરવાજો ખોલી ફરીયાદી તથા ડ્રાઈવરની નજર ચુકવી રૂપીયા 20 લાખની ચોરી કરી નાસી ગયા હતા.જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ગુનો દાખલ થતા તેની તપાસ સ્થાનિક પોલીસ સાથે એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી.
એલસીબી દ્વારા ટેકનીકલ સર્વેલસ અને હ્યુમન ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી ગુનામાં સંડોવાયેલ ફરીયાદીના ડ્રાઈવર હરેશભાઈ પટેલ અને તેના ત્રણ મિત્રોનું ઉંડાણ પુર્વક નું ક્રોસ ઈન્ટ્રોગેશન કરતા સીલસીલા બદ્ધ ચોરીની હકીકત જણાઈ આવેલ.તે મુજબ ડ્રાઈવર હરેશ પટેલ અનોખીલાલ જૈનની આંગડીયા પેઢીમાં નોકરી કરતો હતો.તે અગાઉ સુરતમાં 20 વર્ષ રહ્યા પછી 2014 થી અંકલેશ્વર ગડખોલ ખાતે રહી અનોખીલાલને ત્યાં ડ્રાઈવર તરીકે કરતો જેથી તે અનોખીલાલની દિનચર્યા થી પરિચીત હતો.તેથી સુરત ખાતે રહેતા સાદીક ફિરોજ સૈયદ જેનુ મોટર ગેરેજ સુરતમાં છે
તે બન્ને ખાસ મિત્રો હતા.બન્નેને રૂપીયાની જરૂર હતી જેથી સાદીક અને તેના બીજા મિત્રો સોનુસિંહ,પવન,ઐયુબખાન અને રણજીત એકબીજાના સંપર્કમાં હતા.જે તમામએ મળી અંકલેશ્વર વાલીયા ચોકડી પાસે અનોખીલાલના રૂપીયાની ચોરી કરવાનું કાવતરૂ રચ્યું હતુ. બનાવ બાદ ચોરીના રૂપીયા 20 લાખની વહેંચણી કરી હતી.તેમજ આરોપીઓ દ્વારા કાર ની ખરીદી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
ગુનામાં સંડોવાયેલ શંકાસ્પદ ઈસમો છ પૈકી ચાર આરોપીઓ હરેશ પટેલ,સોનુસિંહ,ઐયુબ તેમજ રણજીતને ઝડપી તેઓના કોરોના ટેસ્ટ કરી આગળની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ને સોંપવામાં આવી છે.તેમજ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ રણજીતકુમાર પાસવાન તેમજ પવન પાસવાન ને ઝડપી પાડવા ની કવાયત હાથ ધરવામાં આવી છે.