અંકલેશ્વરનાં ઉટીયાદરા ગામ પાસે બંધ કંપનીમાં તસ્કરોએ ત્રણ સુરક્ષાકર્મીઓ ને મોતને ઘાટ ઉતાર્યા
અન્ય ત્રણ સુરક્ષાકર્મીઓને અંકલેશ્વર ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા : બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી : તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કોર્ડ ની મદદ |
(પ્રતિનિધિ) ભરૂચ : અંકલેશ્વર તાલુકાનાં છેવાડાનાં ઉટીયાદરા ગામની નજીક આવેલ બંધ પી.જી.ગ્લાસ કંપનીમાં ચોરી ના ઈરાદે આવેલ વીસ થી વધુ ના ટોળાએ હુમલો કરતા છ સિક્યુરિટી ગાર્ડ ને માર મારતા ત્રણ સિક્યુરિટી ગાર્ડના મોત નિપજયા હતા.જ્યારે અન્ય ત્રણ ઈજા થતા તેવોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર તાલુકાનાં છેવાડાના ઉટીયાદરા ગામની સીમમાં પી.જી.ગ્લાસ કંપની આવેલી છે.જે છેલ્લા બે વર્ષ થી બંધ હાલતમાં છે.પરંતુ કંપની દ્વારા સુરક્ષા અર્થે છ જેટલા સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.ચોરીના ઈરાદે વીસ થી પચ્ચીસ અજાણ્યા ઈસમો નું ટોળુ કંપની પર ધસી આવ્યુ હતુ અને ચોરી નો પ્રયાસ કરવા જતા સિક્યુરિટી ગાર્ડે તેઓને પડકાર ફેંક્યો હતો.
જોકે ચોરોએ સિક્યુરિટી ગાર્ડને સામે પડકારતા મામલો તંગ બન્યો હતો અને તસ્કરો નાં ટોળાએ હાથમાં જે આવ્યો તેના થી સુરક્ષાકર્મીઓ પર તૂટી પડયા હતા અને લોહીલુહાણ કરી દીધા હતા.ઈજાગ્રસ્તો ને ચોરોએ સિક્યુરિટી રૂમમાં પુરી દીધા હતા અને તેમના કપડા પણ કાઢી નાંખ્યા હતા.
બાદમાં ટોળુ ફરાર થઈ ગયુ હતુ.આ ઘટનામાં કોસંબા ના તરસાલી ના સિક્યુરિટી ગાર્ડ પીરા ચેલાભાઈ રબારી,ગોવા વિહાભાઈ રબારી અને દેવા રામાભાઈ રબારી ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમના કરુણ મોત નિપજ્યા હતા.જયારે અન્ય સિક્યુરિટી ગાર્ડ ઈશ્વર ગોવાભાઈ રબારી,મફા ચેલા રબારી અને જનાધન રોયને ઈજાઓ પહોંચતા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ઘટના અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ અંકલેશ્વર તાલુકા પોલીસને તે જાણ કરી હતી.જેના પગલે ઘટના સ્થળે અંકલેશ્વરનાં ડીવાયએસપી એલ.એ.ઝાલા,તાલુકા પોલીસની ટીમ,ભરૂચ એલસીબી તેમજ કોસંબા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસે ચોરોનું પગેરુ મેળવવા માટે ડોગ સ્કોર્ડ ની મદદ પણ લીધી હતી. બનાવ ના પગલે સમગ્ર પંથક માં ગભરાટ પ્રસરી જવા પામ્યો છે.ત્યારે આરોપીઓ ને પોલીસ ક્યારે ઝડપી પાડવામાં સફળ થાય છે તે જોવું રહ્યું.*