અંકલેશ્વરના ગડખોલ ગામે “પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ” માટે કેમ્પ યોજાયો
(વિરલ રાણા) ભરૂચ,જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં ‘આરોગ્ય ઉત્કર્ષ પહેલ’ હેઠળ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧લી મે-ગુજરાત સ્થાપના દિનથી જરૂરિયાતમંદોને ‘આયુષ્માન ભારત’ યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર તાલુકાના ગડખોલ પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ માટેનો રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ જરૂરી પુરાવા સાથે સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.આ કેમ્પની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ મુલાકાત લઈ ચાલતી કામગીરીનું ઝીંણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.કલેક્ટરે ઉપસ્થિત લાભાર્થીઓને પણ જરૂરી પૃચ્છા કરી હતી.
આ વેળાએ કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ૧૫ મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ જોગ સંબોધન કરતાં તેમના આહવાન બાદ ઉત્કર્ષ પહેલમાં સમાવેલી વિધવા, નિરાધાર અને વૃધ્ધ સહાયની ચાર યોજનામાં સો ટકા સિધ્ધિ ભરૂચ જિલ્લાએ હાંસલ કરતાં જેના ભાગરૂપે ૧લી મે થી ૧૦મી મે દરમિયાન “આરોગ્ય ઉત્કર્ષ પહેલ”નું આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ વધુમાં ઉમેર્યું હતું કે, જે નાગરિકોના મુખ્યમંત્રી અમૃતમ (MA) કાર્ડ બ્લોક થયા હોયે તેઓને PMJAY આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. તાજેતરમાં આશા વર્કરો દ્વારા ડોર ટુ ડોર જઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં કોઈ લાભાર્થીઓ પાસે આવકનો દાખલો ન હોય તેની યાદી આશા મારફતે તલાટી કમ મંત્રીને સોંપી સત્વરે આવકના દાખલા કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાલુકા કક્ષાએ તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા પ્રાંત ઓફિસર દ્વારા પોતાના તાલુકાનું ગામદીઠ PMJAY આયુષ્યમાન કાર્ડ માટે ખાસ કેમ્પ પણ યોજાશે. આ કાર્ડ ધરાવનાર પરિવારને કુલ ૨,૬૮૧ જેટલી નિયત કરેલ પ્રોસિજર માટે સંલગ્ન સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઉત્તમ પ્રકારની કેશલેસ સારવાર મળે છે. જેનો લાભ લેવા પણ કલેક્ટરે અપીલ કરી છે. ‘આરોગ્ય ઉત્કર્ષ પહેલ” (વર્ષ:૨૦૨૨-૨૦૨૩) આપકે દ્વાર આયુષ્માન “PMJAY-MA” યોજના હેઠળ કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત ‘આયુષ્માન કાર્ડ’ અપાશે. ભરૂચ જિલ્લામાં ૧૦મી મે દરમિયાન જે વી.સી.ઈ. PMJAY આયુષ્યમાન કાર્ડ કાઢશે તેને કાર્ડ દીઠ રૂા.૫૦ તથા પ્રિન્ટ અને લેમિનેશન માટે રૂા.૧૦એમ કુલ રૂા.૬૦ કાર્ડ દીઠ આપવામાં આવશે.
ભરૂચ જિલ્લાનો કોઈ પણ લાયક લાભાર્થી આયુષ્માન “PMJAY-MA” યોજનાના લાભથી વંચિત ન રહી જાય એ માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે.લાભાર્થીના ઘરઆંગણે જઈને તેમને યોજનાકીય લાભો મળે એ પણ તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું હોવાનું કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.ગડખોલ ખાતે યોજાયેલ કેમ્પમાં પ્રાંત અધિકારી નૌતિકાબેન પટેલ, મામલતદાર કનકસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી ધવલ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુશાંત કઠોરવાલા, ગડખોલ ગામના સરપંચ મંજુલાબેન પટેલ, ગામના આગેવાન રોહલ પટેલ સહિત કર્મચારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.