અંકલેશ્વરની નોરીસ મેડિસિન્સ કંપનીએ મહિલા કામદારોને દિવાળી ટાંણે રજા પર ઉતારી દેતા હલ્લો
કંપની ગેટ સામે હલ્લાબોલ કરી વિરોધ કર્યો : કામદારોએ જરૂર પડે તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, અંકલેશ્વર ખાતેની નોરીસ મેડિસિન્સ કંપનીના મહિલા કામદારો દિવાળી ટાળે અચાનક રજા પર ઉતારી દેતા કામદારોએ કંપની ગેટ સામે હલ્લો બોલાવ્યો હતો.કંપની ગેટ પર ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો અને જરૂર પડે તો કોર્ટ મા જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. દિવાળી સમયે કંપનીના વળતરથી મહિલા કામદારો મા રોષ ભભૂકી ઉઠ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર ૮૦૧/૫ માં આવેલ નોરિસ મેડિસિન્સ ફાર્મા કંપનીના ગેટ ઉપર કંપની મેનેજમેન્ટે ૧૯ મી નવેમ્બરના રોજ થી તમામ મહિલા કામદારોને ફરજીયાત રજા પર મોકલી આપવાની તાકીદ કરતાં છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમય થી ફરજ બજાવતી અનેક મહિલા કામદારોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને કંપની ગેટ સામે જ કમદારોએ હલ્લાબોલ કર્યો હતો.
આ તબક્કે મહિલા કામદારે જણાવ્યું હતું કે કંપનીના નવા મેનેજમેન્ટે પગાર વેતન પણ ચુકવ્યુ નથી તેમજ બોનસ પણ ચૂકવ્યું નથી.તેમજ નવા આઈ કાર્ડ બનાવવાના બહાના હેઠળ તમામ પાસે આઈ કાર્ડ પરત લઈ લીધા છે અંર તો હાજરી કાર્ડ પણ આપવામાં આવ્યા નથી.નવા મેનેજમેન્ટની જોહુકમી સામે મહિલા કામદારોએ લડત આપવાનો મોરચો ઊભો કર્યો છે અને લેબર કમિશ્નરને ફરિયાદ કરવાની ચીમકી પણ આપી હતી.