અંકલેશ્વરમાં ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

ભરૂચ, અંકલેશ્વરમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહાકાળી ફાર્મા કંપનીના પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં સ્થાનિકો ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.
દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, પ્લાન્ટની સાથે એક ટેમ્પો અને ટ્રક પણ આગની ઝપેટમાં આવતા બળીને ખાખ થયા હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ફાર્મા કંપનીમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે અને દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જાેવા મળી રહ્યા છે. બનાવને પગલે ૧૦થી વધુ ફાયર ફાઈટરો દ્વારા યુદ્ધના ધોરણે આગને કાબૂ કરવાની કામગીરી હાથ ધરીને મોટાભાગની આગ પર કાબૂ મેળવી લીધો છે.
ઘટનાને અંગે વધુ વિગતો સામે આવી રહી છે, જે અનુસાર આગ એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લાગી હોવાનું સામે આવ્યું છે. આગની અંદર પ્લાન્ટની સાથે બે વાહનો પણ ઝપેટમાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પ્રચંડ આગમાં મહાકાળી ફાર્માને અડીને આવેલી રાહી હેલ્થકેર નામની કંપનીને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગને પગલે ચારેબાજુ દોડધામનો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી શ્યામ એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. ભીષણ આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. આગની ઘટનામાં ત્રણ કામદારો દાઝી જતા તમામને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી.SSS