Western Times News

Gujarati News

અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી રોડ બંધ કરતા વિવાદ : ધૂળની ઉડતી ડમરીઓથી ૩૯ જેટલા છોકરાઓને ન્યુમોનિયા થયો હોવાનો રહીશોનો આક્ષેપ

પાંચ વર્ષથી રજૂઆત છતાં રસ્તો ના બનાવતા ભરવાડ વસાહતના રહેશો ઉશ્કેરાયા.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ : અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવતી ગડખોલ ગ્રામ પંચાયતના ભરવાડ વસાહતના રહીશોએ ગુરૂવારના રોજ રાજપીપલા ચોકડી થી રસ્તો બંધ કરી દેતાં ભારે હડકંપ મચી ગયો હતો અને લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો.
વસાહતના રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી તેઓ ગડખોલ ગ્રામ પંચાયત ઉપરાંત અંકલેશ્વર તાલુકા પંચાયત અને જેના હદ વિસ્તારમાં લાગે છે તેવા અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તાર ને રસ્તાની મરામત માટે રજૂઆત કરતા આવ્યા છે પરંતુ એમની એક પણ વાત સાંભળવામાં આવી નથી. આ ઘટનાને લઇ ગુરૂવારના રોજ સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાતા છેવટે રાજપીપળા ચોકડી થી રસ્તો જ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં રહીશો ઉમટી પડ્યા હતા.

આ અંગે સ્થાનિક રહીશ ભરતભાઈ ભરવાડે જણાવ્યું હતું કે પાંચ વર્ષથી પણ રજૂઆત કરી છે.અમારી માંગ સંતોષાઈ નથી.ધૂળ અને ડમરી ને લીધે અને ખરાબ રસ્તાને લીધે ત્યારે અમારી વસાહતમાં ૩૯ જેટલા છોકરાઓને ન્યુમોનિયાની અસર છે ક્યાં તો ન્યુમોનિયા થયો છે એટલે નછૂટકે અમારે આ પગલુ ઉઠાવવું પડ્યું છે.

જો હજુ પણ અમારી માંગ નહીં સંતોષાય તો અમે મોટા પ્રમાણમાં અને જલદ આંદોલન કરીશું.
આ ઘટનાની જાણ થતા ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ રોહનભાઈ તેમ જ નોટિફાઈડ એરિયા અધિકારીઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલીક અસરથી આ સમસ્યાનું સમાધાન લાવવાની બાંહેધરી આપી હતી.

ત્યાર બાદ લોકોના ટોળા વિખેરાયા હતા. નોંધનીય છે કે ધૂળ અને ગંદકી તેમજ રોડ રસ્તાની સમસ્યા સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં છે.ત્યારે પી ડબલ્યુ ડી વિભાગ કે પછી રાજ્ય ધોરીમાર્ગના અધિકારીઓ પણ આ બાબતે કેમ બેધ્યાન છે એ વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. લોકો હવે આંદોલનના માર્ગે જઈ રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે સરકાર અને સરકારી બાબુઓ આ સમસ્યાઓના નિવારણ માટે પગલાં ભરે છે કે નહિ તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.