અંકલેશ્વર હાઈવે ઉપર બસમાં જતા આંગડિયા પેઢીના કર્મીને લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર થી બસમાં અઢી કરોડના હીરા લઈ જતા આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ થયો હતો.લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જેમાં એક મુસાફર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.તો આ ઘટનાને પગલે ભરૂચ જીલ્લાનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત તરફ જતી ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ નિયમિત હીરા લઈ મુસાફરી કરતા હોવાનું ધ્યાન પર આવતા ત્રણ જેટલા લૂંટારુઓએ આ લકઝરી બસમાં ભાવનગર થી આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે મુસાફર બની લૂંટારુઓ પણ બસમાં સવાર થયા હતા.આ દરમ્યાન અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ પાસે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર માંડવા ગામ નજીક એક મહારાષ્ટ્ર પાર્સિંગની એક કારે બસને ઉભી રખાવી હતી.લૂંટારુઓએ અહીં બસના ચાલક અને ક્લીનરને બંદુકની અણીએ બાનમાં લઈ તેઓ ઉપર હુમલો કરી આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે રહેલ રૂપિયા અઢી કરોડના હીરાને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે ભાવનગરના મુસાફર અનિલ ડાંગર લૂંટારુઓ સામે થઈ બસનો દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરતા લૂંટારુઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.જેમાં મુસાફર અનિલ ડાંગર ઈજાગ્રસ્ત થતા બુમરાણ મચી જતા લૂંટારુઓ બસ માંથી ફરાર થઈ ગયા હતા.
અઢી કરોડના હીરાની લૂંટની ઘટનાની જાણ ભરૂચ જીલ્લા પોલીસને થતા ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત સમગ્ર જીલ્લાની પોલીસ ટીમો ઘટના સ્થળે દોડી આવી લૂંટારુઓનું પગેરું મેળવવાની કવાયત હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ લૂંટારુઓ હિંન્દી ભાષા બોલતા હતા તથા બસ ક્લીનરના દ્વારા કરવામાં આવેલ લૂંટારુઓના વર્ણન અનુસાર અર્ટિકા કાર અને લૂંટારુઓની ધરપકડ કરવા ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી નાકાબંધી કરી જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના યોગ્ય માર્ગદર્શનથી આ લૂંટારુઓને વહેલી તકે ઝડપી પાડી સમગ્ર ભેદ ઉકેલી અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાય તેવા અહેવાલ મળી રહ્યા છે.