Western Times News

Gujarati News

અંગદાનની રાજ્યવ્યાપી જાગૃકતાનું પરિણામ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૧૪૧મું અંગદાન

૫૧ વર્ષના કાલુભાઇ ચોપડાની રિક્ષા પલ્ટી ખાઇ જતા માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી અને બ્રેઇનહેમરેજ થયું !

(માહિતી) અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૯મી જાન્યુઆરીએ જામનગર થી બ્રેઇનહેમરેજની હાલતમાં એક દર્દી આવ્યું. સ્વાસ્થ્ય સ્થિતિ અત્યંત ગંભીર હતી . જેથી દર્દીને આઇ.સી.યુ.માં દાખલ કરીને સઘન સારવાર શરૂ કરવામાં આવી. Statewide awareness of organ donation resulted in 141st organ donation at Ahmedabad Civil Hospital

સિવિલના તબીબોએ આ દર્દીને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા પરંતુ અંતે પ્રભુને ગમ્યું એ જ થયું. ૪૮ કલાકની સઘન સારવારના અંતે આ દર્દીને બ્રેઇનડેડ જાહેર કરાયો. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમના કાઉન્સેલર્સ અને તબીબો દ્વારા દર્દીના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા.

દર્દીના પુત્ર, તમામ ભાઇ અને દર્દીના પત્નીને જ્યારે અંગદાનની વાત કરી ત્યારે તેમણે જે કહ્યું અને તેના પછી જે નિર્ણય કર્યો તે ક્ષણ ગૌરવની હતી. સ્વજનોએ કહ્યું કે , “હા, અમને અંગદાનના મહત્વ વિશે ખબર છે. અંગદાન કરવાથી કોંઇક જરૂરિયાતમંદને નવજીવન મળે છે. સમગ્ર પરિવારનું દુઃખ દુર થાય છે. માટે અમારે પણ અમારા સ્વજનનું અંગદાન કરવું છે”.

સમગ્ર ઘટના એવી છે કે, જુનાગઢના જસપરા માલીયા ગામમાં રહેતા ૫૧ વર્ષના કાલુભાઇ ચોપડા કે જેઓ રીક્શા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.તા. ૧૯ જાન્યુઆરીના રોજ તેઓની રીક્શા એકાએક પલ્ટી ખાઇ જતા માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ.

ઇજાઓ અત્યંત ગંભીર જણાતા પ્રાથમિક સારવાર અર્થે તેઓને જામનગરની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. પરંતુ સ્થિતિ અત્યંત ગંભીર અને બ્રેઇન હેમરેજ જણાતા તેઓને હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલમાં રીફર કરવામાં આવ્યા..

અમદાવાદ સિવિલ હોસ્પિટલમા લાવ્યા ત્યારે પણ સ્વાસ્થ્ય સ્થિતી અતિગંભીર હતી . જેથી તબીબોએ તુરંત જ આઇ.સી.યુ.માં શિફ્‌ટ કરીને ઇમરજન્સી સારવાર શરૂ કરી. આ સમગ્ર સારવારના અંતે ૪૮ કલાક બાદ તબીબો દ્વારા કાલુભાઇને બ્રેઇનડેડ જાહેર કરાયા. બ્રેઇનડેડ જાહેર થયા બાદ પરિવારજનોએ પરોપકારને સર્વોચ્ય સ્થાને રાખીને ગણતરીની મીનિટોમાં જ પોતાના સ્વજનના અંગદાન થકી અન્ય જરૂરિયાતમંદને નવજીવન આપવા માટેનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો. આ નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ કાલુભાઈના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.ડૉ. પુંજીકા,ડૉ.મોહિત અને તેમની ટીમના

અથાક પ્રયત્નો અને ૫ થી ૬ કલાકની ભારે જહેમતના અંતે હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. રીટ્રાઇવ થયેલા આ તમામ અંગોને સિવિલ મેડિસીટીની જ વિવિધ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા. જેમાં હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલ તેમજ બંને કિડની અને લીવરને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના અથાક પ્રયત્નો તેમજ સરકાર, સેવાભાવી સંસ્થાઓ, મીડિયાના સહિયારા પ્રયાસોના પરિણામે જ આજે અંગદાનની જાગૃકતા રાજ્યવ્યાપી પ્રસરી છે. જેના પરિણામ સ્વરૂપ જ જુનાગઢના આ ચોપડા પરિવારે અંગદાનનો નિર્ણય ગણતરીની મીનિટોમાં કર્યો અને ચાર લોકોને નવજીવન આપવામાં સફળતા મળી.

શું તમે જાણો છો કે શરીરમાંથી અંગો રીટ્રાઇવ કર્યા બાદ કેટલા કલાકમાં કયું અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે ? વ્યક્તિ બ્રેઇનડેડ થાય ત્યારે અંગોને રીટ્રાઇવ કર્યા બાદ હ્રદય અને ફેફસાંને ૪ થી ૬ કલાક, હાથ ૬ કલાક, નાનું આંતરડું ૪ થી ૬ કલક, લીવર ૮ થી ૧૨ કલાક, કિડની ૨૪ થી ૩૬ કલાકની સમય અવધિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું અત્યંત જરૂરી બની રહે છે. આ નક્કી કરેલ સમય અવધિમાં અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં ન આવે તો સમગ્ર પ્રક્રિયા અને અંગનો વ્યય થઇ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.