Western Times News

Gujarati News

અંગારકી ચતુર્થી પ્રસંગે ગણેશ મંદિરોમાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા

અમદાવાદ: વિધ્નહર્તા ભગવાન ગણેશજીની કૃપા મેળવવાના અંગારકી વિનાયક ચતુર્થી દિને આજે મંગળવારે ગણેશજયંતિનો અનોખો સંયોગ સર્જાયો હોવાથી અમદાવાદ શહેર સહિત રાજયભરના ગણેશમંદિરોમાં લાખો શ્રધ્ધાળુ ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું. આજે મંગળવાર, ગણેશ જયંતિ અને અંગારકી ચતુર્થીનો અનોખો સંયોગ ત્રણ વર્ષ બાદ આવ્યો હોઇ ગણેશભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો હતો.

તો, ગણપતિદાદાને આજે અંગારકી સંકષ્ટ ચતુર્થીને લઇ મોદક, લાડુ સહિતની પ્રસાદીનો ભોગ ધરાવાયો હતો. શહેરના લાલદરવાજા ખાતેના સિદ્ધિ  વિનાયક મંદિર, ધોળકા તાલુકાના કોઠ ગામે ગણપતિપુરા ખાતેના સુપ્રસિધ્ધ ગણપતિ મંદિર, ઐઠોરના ગણપતિ, વડસરીયા ગણેશજી મંદિર, મહેમદાવાદના સિદ્ધિવિનાયક , વસ્ત્રાપુરના ગણપતિ મંદિર, શાહીબાગના ગણેશ મંદિર સહિત રાજયભરના ગણપતિ દાદાના મંદિરોમાં આજે ગણેશજી ભગવાનનો વિશેષ સાજ શણગાર કરવામાં આવ્યો હતો. તો, મંદિરને પણ શણગારવામાં આવ્યા હતા, જેને લઇ ભકતોનું આકર્ષણ વધ્યું હતું.

ગણેશ જયંતી અને અંગારકી વિનાયક ચતુર્થીને લઇ આજે ગણેશજી મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, હોમ-હવન અને મહાઆરતીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી ગણેશભકતોએ દાદાના દર્શન માટે પડાપડી કરી હતી. મંગળવાર અને સુદમાં આવતી ચોથને અંગારકી વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. વદમાં મંગળવારે આવતી ચોથને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. આમ તો બંને ચોથનું મહત્વ છે.

વિનાયક અને સંકટ ચતુર્થીએ ભગવાન ગણેશજીની વિશેષ પૂજા અને દર્શનનું વિશેષ મહત્વ છે. કારણ કે, તેમ કરવાથી જીવનના તમામ સંકટ દૂર થતા હોવાની માન્યતા છે. ધોળકાના તાલુકાના કોઠ ગામે સ્થિત  ગણપતિ મંદિર ખાતે તો અંગારકી ચતુર્થીને લઇ અઢીથી ત્રણ લાખ શ્રધ્ધાળુ ભકતો વહેલી સવારે ચાર વાગ્યાથી ઉમટયા હતા અને મોડી સાંજ સુધી ભકતોએ લાંબી લાઇનોમાં કલાકો સુધી ઉભા રહી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કોઠ ગણપતિ મંદિરના ટ્રસ્ટી અને પૂજારી કૈલાશગીરી ગોસ્વામી અને મનોજભાઇએ જણાવ્યું હતું કે, અંગારકી ચોથનું શા†ોકત દ્રષ્ટિએ પણ અનન્ય મહાત્મ્ય છે કારણ કે, અંગારકી ચોથ કે જેને સંકટ ચતુર્થી પણ કહેવાય છે, તે આખા વર્ષમાં એક કે બે જ વખત આવતી હોય છે. અંગારકી ચોથના દિવસે ગણેશભકતો યથાશકિત દાદાનું પૂજન અને ઉપવાસ કરી ભકિત કરવામાં આવે તો એકવીસ ગણેશ ચોથનું પુણ્ય ફળ આ માત્ર એક અંગારકી ચોથના પૂજનથી જ પ્રાપ્ત થઇ જાય છે, તેથી તેનું સવિશેષ મહત્વ છે.

આજે અંગારકી ચોથને લઇ ગણપતિ દાદાને ઉપવાસનો મૌરેયો-કઢીનો ફરાળી પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો, શ્રધ્ધાળુ ભકતો દ્વારા દાદાને બુંદી, મોતીચુરમા અને ગોળના લાડુ ધરાવવામાં આવ્યા હતા. આ મંદિરની ગણપતિદાદાની મૂર્તિ સ્વયંભુ હોઇ તેનો મહિમા અને ચમત્કાર ઘણો છે. દર વર્ષે લાખો શ્રધ્ધાળુ ભકતો દેશના ખૂણેખૂણેથી અહીં દર્શન માટે આવતા હોય છે. અમદાવાદના લાલદરવાજાના  સિદ્ધિવિનાયક, ગણપતિપુરાના સુપ્રસિધ્ધ ગણપતિમંદિર, ઐઠોરના ગણપતિ મંદિર, વડસરીયા ગણેશજી મંદિર, મહેમદાવાદના સિદ્ધિવિનાયક સહિતના રાજયભરના ગણેશ મંદિરોમાંં ગણપતિ બાપાના દર્શન કરવા આજે વહેલી પરોઢથી જ લાખો શ્રધ્ધાળુ ભક્તોની લાંબી લાઇનો લાગી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.