અંજારથી કંડલા પહોંચાડવાનો રૂ. દોઢ કરોડનો માલ સગેવગે કરનાર વિરૂદ્ધ ફરિયાદ
ભુજ: જિલ્લામાં છેલ્લા કેટલાક માસમાં છેતરપિંડી, વિશ્વાસઘાતના બનાવોના કિસ્સા વ્યાપકપણે વધી જવા પામ્યા છે. અંજારથી સોયાબીન તેલ ભરીને મહેસાણા પહોંચાડવાના બદલે ગાગોદર પાસે ડ્રાંયવર દ્વારા ટેન્કર પલટાવી માલ સગેવગે કરી દીધો હતો. તો અમદાવાદની પેઢીનો ગાંધીધામથી માલ લઈને મધ્યપ્રદેશ જતી બે ટ્રક ગુમ થઈ ગયાની છેતરપિંડી બાદ હવે ફરી ૪ ટ્રક ડ્રાઇવર દ્વારા ૮ ટ્રક ભરેલો માલ અંજારથી કંડલા વચ્ચે ગમ કરી દેવાયો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
અંજારની ગોકુલ એગ્રો કંપનીનો રૂ. ૧.૪૧ લાખનો ૨૦૭ મેટ્રીક ટન સોયાબીન ખોડનો જથ્થો કંડલા બંદર ખાતે લાગરેલા ટોપાઝ નામના જહાજમાં તા.૧૫, ૧૬ અને ૧૭ જૂન સુધી પહોંચાડવાની ચાલતી કામગીરી દરમ્યાન ૪ જેટલા ટ્રક ડ્રાઇવરોએ અન્યત્ર ખસેડી છેતરપિંડી કર્યાની ફરિયાદ કંડલા મરીન પોલીસ મથકે કંપનીના જનરલ મેનેજર સુશીલકુમાર દ્વિવેદીએ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર માલ પહોંચાડવાનો ઠેકો જે.આર.રોડલાઇન્સને આપ્યો હતો. જેમાં આ ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકોએ પોતાની અને અન્ય ટ્રાન્સપોર્ટ વાળા પાસેથી ટ્રકો મંગાવી માલના પરિવહન માટે મોકલી હતી. આ સોયાબિનનો જથ્થો અંજારથી નેધરલેન્ડ ખાતે મોકલવાનો હતો.