અંજારનો કિશોર મોહીત કુસ્તીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ભુજ, પરિશ્રમ એજ પારસમણિ છે તે વાતને યથાર્થ સાબિત કરતા કચ્છના કિશોરે ખેલો ઇન્ડિયાની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પસંદગી પામી કચ્છનું નામ રોશન કર્યું છે.
ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ દર વર્ષે યોજાય છે. ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલો ઈન્ડિયા સ્કુલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું જેનું પાછળથી નામ બદલીને ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ કરવામાં આવ્યું છે. આ વર્ષે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની ચોથી આવૃત્તિ ૫ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે.
અંજારના વેલ્ડિંગ કામ કરતા જયેશભાઈ આહીરના પુત્ર મોહિત આહીર તેમની મહેનત અને લગન થકી ખેલો ઇન્ડિયાની આવનારી ચેમ્પિયનશિપ-૨૦૨૨ અંતર્ગત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ૪૮kg ની કેટેગરીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જેથી કચ્છનું નામ ફરી એકવાર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું છે.
મોહિતના પિતાજી જયેશભાઈ જણાવે છે કે, “મોહીત ને પહેલેથી જ રમતગમતમાં બહુ રસ હતો. ૯ વર્ષની ઉમરથી તેણે કબડ્ડી રમવાનું શરૂ કર્યુ હતુ.
૯ તેમજ ૧૦ માં ધોરણમાં તે અંજારમાં વિદ્યાભારતી સંચાલિત શાળામાં અભ્યાસ કરતો ત્યારે કબડ્ડીમાં સારો દેખાવ કરતો હતો અને તેણે ઘણા પારિતોષિક પણ મેળવ્યા હતા. તેના અંદરની ધગશ અને ખુમારીને તેના કોચ ગોવિંદભાઈ રબારીએ પારખી અને તેમણે તેને તૈયાર કર્યો. પુરતું માર્ગદર્શન આપી તૈયારી પણ કરાવી જે થકી ત્યારે પણ મોહિતે રાજ્યકક્ષાએ મેડલ મેળવ્યો હતો.
ઉપરાંત ખેલ મહાકુંભ-૨૦૧૮ માં તેને બ્રોન્ઝ મેડલ તેમજ ગુજરાત સ્ટેટ સબ જુનિયર તેમજ સિનિયર વ્રેસ્ટલીંગ ચેમ્પિયનશિપ-૨૦૨૧ માં પણ ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.”
ગોવિંદસરના માર્ગદર્શન હેઠળ જ તે આગળ વધ્યો છે. એવું કહી શકાય કે તેમણે એટલી મહેનત કરી છે કે આજે જે સફળતા મોહીતને મળી છે તેનો શ્રેય તેમને આપી શકાય તેવું જણાવતાં જયેશભાઈ વધુમાં કહે છે કે, “તેમના માર્ગદર્શન હેઠળ મોહીતે DLSS- District Level Sports School y™u SAI- સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં અરજી કરી અને બન્નેમાં પસંદગી થતા તે આગળ અભ્યાસ અને તૈયારી માટે DLSS – ગાંધીનગર ખાતે ગયો.
સરકાર દ્વારા આવા કૌશલ અને કાબિલીયત ધરાવતા યુવાધનને પુરતું માર્ગદર્શન મળી રહે તેમજ અભ્યાસ અને તાલીમ માટે તો ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે જ છે પણ તેમના અભ્યાસ તેમજ રહેવા-જમવાનો ખર્ચનો બોજાે પણ સરકાર ઉઠાવે છે તેથી જ મોહીત જેવા નિમ્ન સ્તરથી આવતા છોકરાઓ આગળ વધી શકે છે. અમારો મોહિત આ કક્ષાએ પહોંચ્યો છે તેના માટે હું સરકારશ્રીનો આભારી છું.”
ઉલ્લેખનીય છે કે ખેલો ઇન્ડિયા-૨૦૨૨ અંતર્ગત કુસ્તી ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામનાર મોહિત હાલ DLSS – ગઢડા, બનાસકાંઠા ખાતે આવનારી કુસ્તી ચેમ્પિયનશિપ માટે તેના કોચ પ્રવીણભાઈ ચૌધરી તેમજ ગૌતમભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ તનતોડ મહેનત કરી રહ્યો છે. આશા છે કે, મોહીત રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને કચ્છનું નામ રોશન કરશે.HS