અંડર-૧૯ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય વિમેન્સ ટીમ ચેમ્પિયન બની
સાઉથ આફ્રિકાને કચડ્યું, ગોંગાડી ત્રિશા ટુર્નામેન્ટની સ્ટાર પ્લેયર
કાયલા રેયનેકેની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકન ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
કુઆલાલુમ્પુર,ઓલરાઉન્ડર ગોંગાડી ત્રિશાએ ફાઇનલમાં પણ કમાલ કરતાં ભારતીય અંડર-૧૯ ક્રિકેટ ટીમે રવિવારે સાઉથ આફ્રિકાને નવ વિકેટે હરાવીને ૨૦૨૪નો આઇસીસી અંડર-૧૯ વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ જીતી લીધો હતો. આ સાથે ભારતે સળંગ બીજી વાર અંડર-૧૯ વિમેન્સ વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. ભારતની જી. ત્રિશા સમગ્ર ટુર્નામેન્ટમાં સ્ટાર બની રહી હતી. ફાઇનલમાં ત્રણ વિકેટ ખેરવવા ઉપરાંત અણનમ ૪૪ રન ફટકારનારી ત્રિશાને પ્લેયર ઓફ ધ મેચ ઉપરાંત પ્લેયર ઓધ ટુર્નામેન્ટ જાહેર કરાઈ હતી. રવિવારે અહીં રમાયેલી ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ભારતની ઉમદા બોલિંગ રહી હતી અને હરીફ ટીમ તેની ૨૦ ઓવરમાં માત્ર ૮૨ રન કરી શકી હતી.
ભારતે ૧૧.૨ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો. ભારતે પોતાના ફાઇનલ પ્રવેશને સાર્થક ઠેરવીને અંતે મેચમાં બાવન બોલ બાકી હતા ત્યારે જ ટારગેટ વટાવીને મેચ અને ટાઇટલ જીતી લીધું હતું. આમ વર્તમાન ટુર્નામેન્ટમાં ભારત એકેય મેચ હાર્યું ન હતું.આ ટુર્નામેન્ટની ભારતની સૌથી મોટી સ્ટાર ગોંગાડી ત્રિશા રહી હતી. તેણે ફાઇનલમાં બોલિંગમાં કમાલ કરીને ૧૫ રનમાં ત્રણ વિકેટ ખેરવ્યા બાદ બેટિંગમાં ટીમ ટારગેટ સામે રમી રહી હતી ત્યારે ૩૩ બોલમાં ૪૪ રન ફટકારી દીધા હતા. આમ તેને પ્લેયર ઓફ ધ મેચની સાથે સાથે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાઈ હતી.કાયલા રેયનેકેની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકન ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે થોડી જ વારમાં આ નિર્ણય ખોટો પડ્યો હતો કેમ કે ભારતીય સ્પિન બોલિંગ આક્મણ વધારે મજબૂત નીકળ્યું હતું. લેફ્ટ આર્મ સ્પિનર આયુષી શુક્લાએ વેધક બોલિંગ કરીને ચાર ઓવરમાં માત્ર નવ રન આપીને બે મહત્વની બેટરની વિકેટ ખેરવી દીધી હતી. જોકે લેગ સ્પિનર જી. ત્રિશા તેના કરતાં પણ વધારે અસરકારક રહી હતી. ત્રિશાએ ચાર ઓવરમાં ૧૫ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.આ ઉપરાંત પારુનિકા સિસોદીયા અને વૈષ્ણવી શર્માએ પણ બે બે વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા માટે મિયેકે વાન વૂર્સ્ટે ૧૮ બોલમાં ૨૩ રન ફટકાર્યા હતા તો ઓપનર જેમ્મા બોથાએ ૧૬ અને ફે કાઉલિંગે ૧૫ રન ફટકાર્યા હતા.SS1