Western Times News

Gujarati News

અંતિમ સંસ્કાર પહેલા માતાનો ચહેરો જાેવો હોય તો રૂ. ૫,૦૦૦ આપો

FIles Photo

ભુવનેશ્વર: કોરોનાના કહેર વચ્ચે દેશમાં સ્વાર્થી અને સંવેદનહીન તત્વો પણ ઉઘાડા થયા હતા. કોઈ જગ્યાએ જરૂરિયાતની દવાઓનું બ્લેક માર્કેટિંગ જાેવા મળ્યું હતું તો હોસ્પિટલમાં બેડ માટે લાંચના બનાવો પણ સામે આવ્યા હતા. આ બધા વચ્ચે ઓડિશાના ક્યોંઝાર જિલ્લા ખાતેથી માનવતાને શરમમાં મુકતી એક ઘટના સામે આવી છે.
ક્યોંઝાર ખાતે એક મહિલાનું કોવિડ-૧૯ના કારણે મૃત્યુ થયા બાદ સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. મહિલાના દીકરાએ અંતિમ વખત માતાના ચહેરાના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો સ્મશાન ઘાટ પર તૈનાત એક કર્મચારીએ આ માટે ૫,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી.

ઘટનાની વિગતો પ્રમાણે ક્યોંઝાર જિલ્લાના કૃષ્ણાપુર ગામની મહિલા કોરોનાથી સંક્રમિત થઈ ત્યાર બાદ તેને જિલ્લા પ્રશાસન દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાના મૃત્યુ બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે તેના મૃતદેહની સોંપણી કરી હતી અને તેને સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો.

મૃતદેહનો ચહેરો બતાવવા માટે લાંચ માંગવાની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્મશાનનો કર્મચારી એમ કહેતા સંભળાય છે કે, ‘જાે તું ૫,૦૦૦ રૂપિયા આપીશ તો જ ચહેરો જાેવા દઈશ નહીં તો જે રીતે પીપીઈ કીટમાં મૃતદેહ પેક મળ્યો છે તે જ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.’

લાંચ માંગનારાને જ્યારે ખબર પડી કે આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે તો તેણે આ અંગે સવાલ કર્યો હતો. તેના જવાબમાં મૃતકના દીકરાએ કહ્યું હતું કે, જાે મારે મારી મૃત માતાનો ચહેરો જાેવા ૫,૦૦૦ રૂપિયા આપવા પડતા હોય તો હું તેને રેકોર્ડ પણ કરીશ અને ઈન્ટરનેટ પર અપલોડ પણ કરીશ. પછી ભલે મારે તે માટે જેલમાં કેમ ન જવું પડે.આ વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.