Western Times News

Gujarati News

કોરોનાના કપરાકાળમાં અંતે, અમને ઈશ્વર મળી ગયા

( દેવેન્દ્ર શાહ દ્વારા )  અમદાવાદ,  અમદાવાદમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે અમદાવાદ ના નાગરિકો જેટલા કોરોનાથી નથી ડરતા તેનાથી વધુ વહીવટી તંત્રની બેદરકારીથી ડરી રહ્યા છે. જેનો સ્વીકાર અધિકારીઓ કરતા નથી. પરંતુ આ નક્કર સત્ય છે. તેમજ જેને આ વાત ખોટી લાગતી હોય તેમણે એક વખત માત્ર બે કલાક એસ.વી.પી.માં જઈ ને તપાસ કરવી જરૂરી છે.

આ બાબત હું એટલા માટે વિશ્વાસ પૂર્વક કહી રહ્યો છું કેમ કે હું પણ આ પરિસ્થિતિ નો સામનો કરી ચુક્યો છું.મારી પત્ની ની શારીરિક સ્થિતિ ખરાબ હતી તેમજ ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ મેડિકલ ઓફિસર અને હોદ્દેદારોની ભલામણ હોવા છતાં દાખલ કરવા માટે  સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે એક કલાક સુધી તો કોઈ પૂછવા પણ આવ્યા ન હતા. આવા કપરા સમયે મને અને મારા પરિવારને ઈશ્વર મળ્યા હતા બીજા શબ્દોમાં કહું તો જિંદગી આખી મંદિરોમાં પ્રભુ ને શોધ્યા અને અંતે હોસ્પિટલમાં પ્રભુ મળી ગયા.

ગત સોમવાર 8 જૂને મારી પત્ની ની તબિયત બગડતા મારા ફેમિલી તબીબ ને ત્યાં લઇ ગયો હતો. જ્યાં ઓક્સિજન લેવલ 90 -91 હોવાની વિગત સામે આવી હતી. તેથી તાકીદે એસ.વી.પી. માં દાખલ કરવા તજવીજ શરૂ કરી હતી. ફેમિલી ફિઝિશિયનના ત્યાંથી જ મ્યુનિ. મેડિકલ ઓફિસર હેલ્થને ફોન કરીને તમામ બાબતની જાણકારી આપી હતી. તેમને એસ.વી. પી. હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપી હતી. તેમજ તરત એડમીટ કરવામાં આવશે તેમ પણ જણાવ્યુ હતું.

સાથે સાથે હોસ્પિટલના આર.એમ.ઓ. સાથે વાત કરી તેમનો નંબર પણ મને મોકલ્યો હતો. હોસ્પિટલ જતા સુધી સતત 20 મિનીટ આર.એમ.ઓ. નો ફોન પર સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ ફોન રિસીવ થયો નહતો. અંતે હોસ્પિટલ પહોંચી ને ફરીથી સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો ત્યારે મને પાંચ મિનીટ રાહ જોવા જણાવ્યુ હતું. પરંતુ 25 મિનિટ સુધી કોઈ જ હિલચાલ થઈ ન હતી.

ત્યારબાદ કોર્પોરેશન ના એક અંગત અધિકારી મિત્રનો સંપર્ક કરી મદદ કરવા વિનંતી કરી હતી.તેમણે પણ પ્રયાસ શરૂ કર્યા હતા. પરંતુ ઓ.પી.ડી.માં બેઠેલા સ્ટાફ ને ઉપર થી સૂચના હોય તેમ કશું જ સાંભળવા તૈયાર નહતા. તેમજ દર્દીને બોપલની હોસ્પિટલમાં લઈ જવા દબાણ કરતા હતા. ઓક્સિજન લેવલ ઓછું હોવાની જાણકારી હોવા છતાં તેઓ એસ.વી.પી.માં સારવાર આપવા તૈયાર ન હતા.  તેમજ બોપલની હોસ્પિટલ સિવાય અન્ય કોઈ જ સ્થળે સારવાર નહિ મળે તેમ જણાવી આડકતરી રીતે ડરાવી રહ્યા હતા.

સ્ટાફના જવાબોથી કંટાળી એમ.ઓ.એચ. પણ હથિયાર હેઠા મૂક્યા હતા. તેમ છતાં સારી ખાનગી હોસ્પિટલ માટે ફરજ પરના સ્ટાફને સુચના આપી હતી. આમ, એક કલાક જેટલો સમય વેડફાઈ ગયો હતો પરંતુ મારી પત્નીને દાખલ કરવાનું તો ઠીક, સેમ્પલ લેવા માટે પણ કાર્યવાહી થઈ ન હતી.

અંતે, બોપલની હોસ્પિટલમાં પત્નીને દાખલ કરવા તૈયારી બતાવતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. બોપલ લઈ જતા પહેલા વધુ એક પ્રયત્ન કરવા નિર્ણય કર્યો હતો,  તથા ડે. મ્યુનિ. કમિશનર ( હેલ્થ) ને ફોન કરી સમગ્ર પરિસ્થિતિ થી વાકેફ કર્યા હતા.તેમણે મને પાંચ મિનિટ રોકાવવા જણાવ્યા હતું. અંતે, તેમના પ્રયાસ સફળ થયા હતા તેમજ એક ગંભીર દર્દીને ઝડપથી સારવાર મળે તે માટે ની કાર્યવાહી શરૂ થઈ હતી. મારી પત્નિને ઝડપથી સારવાર મળી રહે તે માટે ભાજપ પક્ષ નેતા અમિતભાઈ શાહે પણ ડો મલ્હારને વારમવાર સુચના અાપી હતી તેમની મદદ પણ ભૂલી શકાય તેમ નથી.

આપણે સહુ પૂછીએ છે કે ભગવાન જોયા છે? મેં અને મારા પરિવારે 8 જૂને ભગવાન જોયા છે તેમ કહી શકીએ તેમ છે. ડે. મ્યુનિ. કમિશનર ના સ્વરૂપ માં અમને ભગવાન નો સાક્ષાત્કાર થયો છે. આ ભગવાન ની કૃપા એટલી વરસી રહી છે કે  મોડી રાત્રે પણ મારી પત્નીના રિપોર્ટની જાણકારી મને મળી રહે છે. હું હૃદયપૂર્વક ઈચ્છું છું કે કોરોનાના કપરાકાળમાં તમામને ઈશ્વર સહાય કરે.

અને એસ.વી.પી. ના અધિકારીઓને પ્રાર્થના કરું છું કે હાલના સંજોગોમાં આપ ભગવાન સ્વરૂપ જ છો. થોડી કૃપા દર્દીઓ પર દાખવશો તો અનેક પરિવાર બચી જશે. બસ, થોડા દિવસો માટે થાક, કંટાળો કે અંગત અભિપ્રાયને તિલાંજલિ આપશો તો જેમ મને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો તેમ દરેક દર્દી/ નાગરિકને પણ આપના સ્વરૂપે ઈશ્વર મળી રહેશે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.