અંધારામાં જીવવા મજબૂર, દીવા માટે કેરોસીન પણ નથી

ગીર સોમનાથ: ટાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લાનાં ઉના અને ગીર-ગઢડા તાલુકામાં જે વિનાશ વેર્યો છે તેના ઝખમો હજુ રૂઝાયા નથી. વાવાઝોડું ગયાને આજે ૨૫થી વધારે દિવસ થયા છતાં હજુ ઉના તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના લોકો અંધારામાં જીવન પસાર કરી રહ્યા છે. ખેતરમાં ઊભેલો પોતાનો મહામુલો મોલ પણ વીજળીને વાંકે સુકાઈ ગયો છે.
પશુઓ પાણી માટે ભાંભરડા નાખી રહ્યા છે. આ વિસ્તારની ખમીરવંતી પ્રજા કૂવામાંથી પાણી સિંચીને પશુઓને પાવા માટે મજબૂર છે. અહીં ૩૫ સૈનિકોનો પરિવાર આજે પણ અંધારામાં જીવી રહ્યો છે. આ હાલત ઉના તાલુકાનાં સનખડા ગામના છે. ઉનાથી ૨૦ કિલોમીટર અંતરે આવેલું સનખડા ગામમાં ગોહિલ દરબારોની વસ્તી વધુ છે. આ ગામનાં ૩૫ જેટલા જવાનો ભારતીય ફોજમાં ફરજ બજાવી રહ્યા છે.
આ ફોજીઓનો પરિવાર હાલ અહીં અત્યંત દયનીય સ્થિતિમાં જીવન વિતાવી રહ્યો છે. સનખડા ગામથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા માલણ ગામની પણ આવી જ હાલત છે. સનખડા અને માલણ વિસ્તારમાં કુલ ૧,૫૦૦ જેટલા પરિવારો ખેતીવાડીનો વ્યવસાય કરે છે. આ બંને વિસ્તારના ૩૫ જેટલા નવયુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવે છે. ગત તારીખ ૧૭ મેના રોજ ટાઉતે વાવાઝોડાને કારણે બાગાયતી વૃક્ષો જેવા કે આંબા અને નાળિયેરી જમીનદોસ્ત બન્યા હતા.
અનેક કાચા મકાનો, ઢાળીયા, છાપરા અને નળિયાં ઉડી ગયા હતા. ગામમાં વીજ પુરવઠો પહોંચાડતા અનેક વીજ પોલ ધરાશાયી થયા હતા. આ ઘટનાને એક મહિના જેટલો સમય થવા આવ્યો છતાં પણ માલણ વિસ્તારમાં કોઈ અધિકારી કે તંત્ર દ્વારા નિમણૂક કરેલી કોઈ ટીમ સર્વે માટે પહોંચી નથી.