Western Times News

Gujarati News

અંબાજીથી કળશ શોભાયાત્રા સાથે ૧૦૮ કુંડી મહાયજ્ઞ શરૂ

અમદાવાદ : સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર (Gujarat’s famous temple Ambaji) ખાતેથી ભવ્ય કળશ શોભાયાત્રા સાથે ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞનો વિધિવત્‌ પ્રારંભ થયો હતો. માતાજીની આ વિશાળ કળશ શોભાયાત્રામાં હજારો શ્રધ્ધાળુ ભકતો પણ જાડાયા હતા. વિશ્વ શાંતિના ઉમદા હેતુસર આજે તા.૭મી નવેમ્બરથી તા.૧૭ નવેમ્બર,૨૦૧૯ દરમ્યાન રાજયમાં સૌપ્રથમવાર અંબાજીના ખેડબ્રહ્મા રોડ (Ambaji Khedbramha road) પર જૂની કોલેજ કમ્પાઉન્ડ સંસ્કૃત પાઠશાળા ગ્રાઉન્ડ ખાતે ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી અંબાજી માતાજીની પ્રેરણાથી શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટ, સુભાષ ચોક, મેમનગર, અમદાવાદના સંકલ્પથી તેમ જ શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી, દાંતા સ્ટેટના યુવરાજ રિદ્ધિરાજસિહજી, શ્રી અઁંબાજી મંદિરના પૂજારી શ્રી કશ્યપભાઇ ઠાકર અને શ્રી પાયલોટ બાબા સેવા સમિતિના સહકારથી હિમાલયની સિધ્ધ પરંપરાના વિશ્વ વિખ્યાત સંત મહાયોગી મહામંડલેશ્વર અને નાસિક પીઠના પીઠાધિશ્વર શ્રી પાયલોટ બાબાના સાનિધ્યમાં આજથી ઐતિહાસિક ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો.

આ ઐતિહાસિક ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞના ભવ્ય ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા ભારતભરમાંથી હજારો સાધુ-સંતો, મહામંડલેશ્વરો, મહાત્માઓ, વિદેશી મહેમાનો અને રાજકીય મહાનુભાવો આવી પહોંચ્યા હતા. આ પવિત્ર મહાયજ્ઞની શરૂઆત શ્રી અંબાજી મંદિરેથી કળશ શોભાયાત્રા દ્વારા કરવામાં આવતાં ભકિતનો માહોલ છવાયો હતો.

આ અંગે અંબાજીથી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ અને પાયલોટ બાબા સેવા સમિતિના કન્વીનર જગદીશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આજે તા.૭મી નવેમ્બરે સવારે ૭-૦૦ વાગ્યે વિશાળ કળશ-શોભાયાત્રા સુપ્રસિધ્ધ શ્રી અંબાજી મંદિરથી પ્રસ્થાન કરી ૯-૦૦ કલાકે યજ્ઞશાળા પહોંચી હતી અને ત્યાં કળશ સ્થાપના કરી પધારેલા સંતોનું સામૈયુ અને સન્માન કરી મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.

હવે આવતીકાલથી તા.૮મી નવેમ્બરથી તા.૧૭મી નવેમ્બર સુધી દરરોજ અનુક્રમે મહાદેવી શ્રી મહાકાળી દેવી, શ્રી તારાદેવી, શ્રી ષોડશોદેવી, શ્રી ભુવનેશ્વરી દેવી, શ્રી ભૈરવી દેવી, શ્રી છિન્નમસ્તકા દેવી, શ્રી ઘુમાવતી દેવી, શ્રી બગલામુખી દેવી, શ્રી માતંગીદેવી અને શ્રી કમલા દેવી એમ એક-એક મહાદેવીનો યજ્ઞ થશે. મહાયજ્ઞની સાથે સાથે રાત્રે આઠ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન હશે. મહાયજ્ઞના અંતિમ દિવસે તા.૧૭મી નવેમ્બરના રોજ બપોરે ૧૨-૦૦ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ બપોરે ૨-૦૦ વાગ્યે મહાપ્રસાદ ભંડારો અને સાંજે ૪-૦૦ વાગ્યે મહાન સાધુ-સંતો, મહંતોના આશીર્વચનથી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ અને પાયલોટ બાબા સેવા સમિતિના કન્વીનર જગદીશભાઇ બ્રહ્મભટ્ટે ઉમેર્યું હતું કે, આજે કળિયુગમાં સંપૂર્ણ માનવજાત આધિ-વ્યાધિ અનએ ઉપાધિઓથી દુઃખી અને ત્રસ્ત છે ત્યારે સમગ્ર વિશ્વ અને માનવજાતિ પર આવી પડેલ કુદરતી આપતિઓથી થવાવાળા વિનાશને રોકવા અને બચાવવાના હેતુથી તેમ જ માનવજાતને આધિ-વ્યાધિ અને ઉપાધિના દુઃખમાંથી શાંતિ મળે અને મનુષ્યોને પોતાના સુભ સંકલ્પો સિધ્ધ કરવા અને તેમને સુખ, શાંતિ તેમ જ સમૃદ્ધિપ્રાપ્ત થઇ શકે તેવા વિશ્વ શાંતિના ઉમદા આશય સાથે આ ૧૦૮ કુંડી શ્રી દશ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.