અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે ૧૨૦૦થી વધુ ખાસ બસ દોડાવાશે
અમદાવાદ, યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહાકુંભ ભરાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ ઊમટી પડશે. તેઓ સુખરૂપ તેમના ઘરે પહોંચી શકે તે માટે એસટી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે, જેમાં આ વખતે ચાર વિભાગ ઊભા કરાયા છે. અમદાવાદ, પાલનપુર, મહેસાણા અને હિંમતનગરથી ૧૨૦૦થી વધુ સ્પેશિયલ બસ દોડાવવામાં આવશે. અમદાવાદથી ૨૫૦ બસ દોડાવાશે.
તમામ બસ નવી મૂકવામાં આવશે અને તમામ બસનું જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવશે, સાથેસાથે મુસાફરોની સુરક્ષાને ખાસ ધ્યાનમાં રાખીને કોઇ પણ બસ ઓવરલોડ ન જાય તેનું પણ ધ્યાન રખાશે. અંબાજી ખાતે નવ બુધ બનાવવામાં આવ્યા છે, સાથે -સાથે અંબાજી આવતા ભક્તો માટે બસ પર હંગામી ધોરણે પેસેન્જર રેક, પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર શૌચાલય, માઇક એનાઉન્સની વ્યવસ્થા, બૂથ ઉપરની મોબાઇલ સંપર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ક્રેન, મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ, ડેપો ખાતે ફાયર ફાઇટરની વ્યવસ્થા, બેનર, હો‹ડગ્સ દ્વારા યાત્રાળુઓને માર્ગદર્શનની વ્યવસ્થા કરાઇ છે.
પોલીસ વિભાગ દ્વારા ૧૦ વોકીટોકી સેટ એસટી વિભાગને ફાળવવામાં આવ્યા છે. ગત વર્ષે નિગમે ૧૧.૨૫ લાખ મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા, જેનાથી ૫.૫૦ કરોડની આવક થઇ હતી. યાત્રિકોની સુવિધા માટે મેળાના સાતેય દિવસ દરમિયાન ૨૩ કલાક બસ દોડતી રહેશે. સમગ્ર વ્યવસ્થા માટે ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિકલ સુપરવાઇઝર અને અધિકારી સહિતના ૧૩૦૦થી વધુ કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે.