અંબાજીમાં UGVCLની કામગીરીથી અવિરત વીજ પુરવઠો જળવાયો
મહામેળા પ્રસંગે યુ.જી.વી.સી.એલ.ના વિશેષ મુખ્ય ઇનજેરશ્રી એલ.એ.ગઢવીના માર્ગદર્શન અને ટીમ વર્ઝનના લીધે મહામેળામાં અવિરત વીજ પુરવઠો જળવાયો છે. રસ્તાઓ ઉપર અને અંબાજી મુકામે તમામ સ્થળો પર સતત વીજ પુરવઠાને લીધે યાત્રિકોને કોઇ જ તકલીફ પડી નથી. સતત વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે ટ્રાન્સફોર્મર વાઇઝ ૯ ટીમો બનાવી ૫ વાહનો દ્વારા અંબાજીને જોડતા રસ્તાઓ પર વીજ પુરવઠો જાળવવા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભાદરવી મહામેળાના ૩ મહિના અગાઉથી શ્રી ગઢવીએ લાઇટીંગ વ્યવસ્થા માટે માઇક્રોપ્લાનીંગ કરી આયોજન કર્યુ હતું. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા અંબાજી ફોરલેન રસ્તાની કામગીરી પૂરજોશમાં ચાલુ હોવા છતાં માત્ર એક જ મહિનામાં ૮૦૦ જેટલાં વીજપોલ ઉભા કરી લાઇટીંગની સુંદર વ્યવસ્થા યુ.જી.વી.સી.એલ. દ્વારા કરવામાં આવી છે. મહામેળામાં સતત વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે શ્રી ગઢવીના માર્ગદર્શન હેઠળ ૧૫૦ વીજ કર્મચારીઓ ખડેપગે છે.