Western Times News

Gujarati News

અંબાજી મંદિરમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો વિધિવત પ્રારંભ

મહામેળો બંધ હોવાથી ઓનલાઈન દર્શનની સુવિધા -અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ-કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે ચાચર ચોકમાં સમારોહ યોજવામાં આવ્યો હતો
પાલનપુર, પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી પૂનમ-૨૦૨૦ મહોત્સવ પ્રસંગે કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાગલેના હસ્તે ચાચર ચોકમાં યોજાયેલ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. કલેક્ટરએ યજ્ઞશાળામાં પૂજન વિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવીને મંદિર ઉપર ધજા ચડાવીને સાત દિવસીય મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. મિડીયા સાથેની મુલાકાતમાં કલેકટરે જણાવ્યું કે, વિશ્વ કલ્યાણ અર્થે માનવજાતના કલ્યાણ માટે તેમજ કોરોના સંકટ દુર થાય તે માટે આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યુ કે, પ્રતિવર્ષ ભાદરવી મહામેળા પ્રસંગે પદયાત્રા દ્વારા અંબાજી આવતા ૧૪૦૦ જેટલા રજીસ્ટર્ડ થયેલા સંઘોને તેમની લાગણી અનુસાર પૂજા કરેલ માતાજીની ધજાઓ પહોંચાડવામાં આવી છે. કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, આ વર્ષે માઇભક્તો ઘેરબેઠાં માતાજીના દર્શન કરી શકે તે માટે માતાજીની આરતી, દર્શન, ગબ્બર દર્શન વગેરેના લાઇવ- જીવંત પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અંબાજીના લોકો અને યાત્રિકોની સલામતિ માટે તા. ૨૪-૮-૨૦૨૦ થી તા. ૪-૯-૨૦૨૦ સુધી મંદિર બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો પરંતું માઇભક્તોની લાગણી ધ્યાને હવે મંદિર તા. ૩ સપ્ટેવમ્બરથી જ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે.

ઉલ્લેખનીય છે કે આ વરસે ભાદરવી પૂનમના મહામેળાનો સમયગાળો તા.૨૭-૮-૨૦૨૦ થી તા.૨-૯-૨૦૨૦ સુધીનો છે પરંતું કોરોનાની વૈશ્વિક મહામારીના લીધે મેળો બંધ હોવાથી આ સમયગાળા દરમ્યાન માઇભક્તો ઘેરબેઠાં જ માતાજીનાં દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાઇવ વેબકાસ્ટીંગની સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુ-ટ્યુબ વગેરે પર સવારે-૭.૩૦ વાગ્યાથી દર્શન કરી શકાશે.

તા.૨-૯-૨૦૨૦ ના રોજ સાંજે-૪.૩૦ વાગે મહાયજ્ઞનની પૂર્ણાહુતિ અને મહાઆરતી કરાશે. કલેકટર સંદીપ સાગલેએ મિડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે પ્રતિવર્ષ ભાદરવી મહામેળા પ્રસંગે અંબાજી ખાતે લાખો યાત્રિકો આવતા હોય છે. ઘણા માઇભક્તો મંદિર પર ધજાઓ પણ ચડાવતા હોય છે ત્યારે આ વરસે સૌ માઇભક્તો વતી મંદિર પર ધજા ચડાવી છે. કલેકટરશ્રીએ જણાવ્યું કે, સૌની સુખાકારી અને કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરી છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.