અંબાજી મંદિર આવતીકાલથી તા.૩૧ માર્ચ સુધી બંધ રહેશે
અંબાજી, અંબાજી જીલ્લા બનાસકાંઠા ખાતે આવેલ શ્રી અંબાજી મંદિર એ શકિતપીઠ છે . માઁ અંબા સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે અને કરોડો ભકતોની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે . દર વર્ષે લાખો ભકતો માતાજીની આરાધના કરવા અંબાજી આવે છે. મંદિર ટ્રસ્ટ અને જીલ્લા વહીવટીતંત્ર તેમજ જીલ્લા પોલીસ તંત્ર આવનાર યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નશીલ હોય છે.તા . ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૦ના રોજ શનિ – રવિવાર આવે છે તથા તા.૨૫/૦૩ /૨૦૨૦ થી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે .
માતાજીની ચૈત્ર નવરાત્રિએ ખુબ જ પ્રિય તહેવાર છે, પરંતુ હાલમાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધુ છે. માતાજીની આરાધનાની સાથો સાથે માતાજીના ભકતોના સ્વાસ્થ્ય તેમજ સલામતી પણ ખુબ જ અગત્યની છે . સરકાર પણ આ બાબતે ખૂબ જ ચિંતિત છે. આ વાયરસ વ્યકિત કે જગ્યાના સ્પર્શથી પણ થઈ શકે છે. આ અંગે જાગૃતિ ફેલાવવા અને કોરોના વાયરસના વ્યાપને ઘટાડવા સરકાર તેમજ વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે. ચૈત્ર નવરાત્રિ દરમ્યાન માતાજીના દર્શને લાખો ભકતો આવતા હોય છે.
માતાજીની કૃપાથી હજુ ગુજરાત રાજયમાં આ ચેપી કોરોના વાયરસ ફેલાઈ શક્યો નથી, પરંતુ આવના૨ માતાજીના લાખો ભક્તોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને અગમચેતીના પગલાં લેવા અત્યંત જરૂરી છે. આથી ગુજરાત સરકારની એડવાઈઝરીને ગંભીરતાપૂર્વક લઈને આગામી ચૈત્રી નવરાત્રિના તહેવારમાં લાખો માઈભકતોની ભીડને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર તેમજ જીલ્લા પોલીસ તંત્ર સાથે ગહન ચર્ચા કરી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે , આવતીકાલ તા.૨૦ / ૦૩ / ૨૦૨૦ના શુક્રવાર થી તા.૩૧ /૦૩ /૨૦૨૦ના મંગળવાર સુધી ભાવિક ભકતજનોને માતાજીના દર્શનનો લાભ નહી મળી શકે, એટલે કે ભાવિક ભકતો માટે આ સમય દરમ્યાન મંદિર બંધ રહેશે.
ભાવિક ભકતોને વિનંતી કરવામાં આવે છે કે આ સમય દરમ્યાન માઈભકતોએ પોતાના સ્વગૃહે માતાજીની આરાધના કરવી. માતાજી તમામ ભકતોની મનોકામના પૂર્ણ કરે એવી અભ્યર્થના દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી સંદીપ સાંગલે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કોરોના વાયરસ અંગેની અન્ય કોઈ એડવાઈઝરી જાહેર કરવામાં ન આવે તો તા . ૦૧ / ૦૪ ૨૦૨૦ બુધવારે ચેત્રિ આઠમના દિવસથી માતાજીના દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે . જેની ભાવિક ભકતોએ ખાસ નોંધ લેવી.