અંબાજી-હડાદ વચ્ચે કાર પર કરાયેલા પથ્થરમારાથી યાત્રિકોમાં ડરનો માહોલ
અંબાજી, અંબાજી-હડાદ માર્ગ વચ્ચે કાર ઉપર પથ્થરમારાની ઘટના બનતાં મુસાફરોમાં ભયનો માહોલ છવાયો છે. આ ઘટના ગત તા.૧૦ મેના રોજ રાત્રી દરમિયાન બની હતી. જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને અંબાજી, પાલનપુર ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાંતિજની ગુજ્જર પોળમાં રહેતો પરિવાર ગત તા.૧૦ મેના રોજ રાત્રીના સમયે રાજસ્થાનના પાલી ખાતે આવેલા કુળદેવીના મંદિરે દર્શન કરવા અને બાધા પૂર્ણ કરવા પ્રાંતિજથી કારમાં નીકળ્યા હતા. તેઓ રાત્રીના બારેક વાગ્યાની આસપાસ અંબાજી-હડાદ વચ્ચે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કાર ઉપર પથ્થરમારો થતાં એક પથ્થર કારની પાછળની સાઈડની બારીનો કાચ તોડી અંદર ઘૂસ્યો હતો
અને પાછળ બેસેલા મહિલા મનીષાબેન મુંગેશભાઈ સોનીને નાક તથા આંખના ભાગે વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. કારચાલક મુંગેશભાઈએ કાર પૂરઝડપે હંકારી અંબાજી ખાતે પહોંચી ગયા હતા અને પાછળ આવી રહેલી તેમની પિતાની કાર સાથે પણ જો પથ્થરમારાની ઘટના બની હોય તો રસ્તામાં કાર ઊભી ન રાખવા જણાવ્યું હતું.
જ્યારે ઈજાગ્રસ્ત મનીષાબેનને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે પાલનપુર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે મહિલાને અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી ત્યારે મહિલાને નાક ઉપર ગંભીર ઈજાઓ થતાં ૧૪ ટાંકા તથા આંખની સારવાર સહિત ઓપરેશન દ્વારા નાક ઉપર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી.
સ્થાનિક જવાબદાર પોલીસ તંત્ર દ્વારા રાત્રીના સમયે અંબાજી-હડાદ માર્ગ ઉપર પોલીસ પેટ્રોલિંગ સઘન કરી અને આવા તત્ત્વોને ઝડપી જેલ ભેગા કરવામાં આવે તેવી માંગ પણ પંથકના લોકોમાં ઉઠવા પામી છે.