અંબાણી-અદાણીની રાજસ્થાનમાં ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રોકશે
નવી દિલ્હી, રાહુલ ગાંધી સહિતના તમામ કોંગ્રેસી નેતાઓ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધવા માટે મુકેશ અંબાણી તથા ગૌતમ અદાણીનું નામ લે છે. કોંગ્રેસીઓ દ્વારા આ સરકાર પર અંબાણી-અદાણીની સરકાર હોવાનો આરોપ લગાવવામાં આવે છે.
ત્યારે રાજસ્થાનમાં અશોક ગેહલોતના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને ‘ઈન્વેસ્ટ રાજસ્થાન’ અંતર્ગત જે સૌથી મોટા રોકાણ પ્રસ્તાવો મળ્યા છે તેમાં ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી જૂથ તથા મુકેશ અંબાણીની અધ્યક્ષતાવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રસ્તાવનો સમાવેશ થાય છે.
આ અંગે કરવામાં આવેલી એક આરટીઆઈના જવાબમાં બ્યુરો ઓફ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન (બીઓઆઈપી) દ્વારા કહેવામાં આવ્યું છે કે, બંને કોર્પોરેટ હાઉસે ડિસેમ્બર ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૨ દરમિયાન લેટર ઓફ ઈન્ટેટ (એલઓઆઈ)/એમઓયુમાં ૧.૬૮ લાખ કરોડ રૂપિયાથી પણ વધારેના રોકાણનું વચન આપ્યું હતું. તે ૯,૪૦,૪૫૩ કરોડ રૂપિયાના આશરે ૧૮ ટકા છે.
તેમ છતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર ક્રોની કેપિટલિઝમનો આરોપ લગાવ્યો છે. તેમણે ફેબ્રુઆરી મહિના દરમિયાન લોકસભામાં અદાણી તથા અંબાણીને ભારતીય અર્થતંત્રના ફેલ રહેલા ‘ડબલ એ વેરિએન્ટ’ તરીકે પરિભાષિત કર્યા હતા.અગાઉ પણ તેમણે કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકાર પર આ પ્રકારના કટાક્ષ કર્યા હતા.SS2KP