અકસ્માતમાં ઘાયલ મહિલાની સરકારી હોસ્પિટલમાં સર્જરી
જામનગર: જામનગરની જીજી હૉસ્પિટલમાં ખાનગી હૉસ્પિટલમાંથી વગર સારવારે આવેલા અમીનાબેનનું કોરોનાના કપરા કાળમાં સીએમ હેલ્પ ડેસ્કના પ્રયાસથી હાથનું ઓપરેશન થયું છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં હૉસ્પિટલોમાં દર્દીઓની હાલત કફોડી બની છે. લોકો ખાનગી હૉસ્પિટલમાં પણ સારી સારવાર માટે ધક્કા ખાઈને નિરાશ થઈ રહ્યા છે. જામનગરમાં ગુજરાતની બીજા ક્રમની અને સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ આવેલી છે. અહીં જુદાં જુદાં ૨૨ ડિપાર્ટમેન્ટમાં સારવાર કરવામાં આવે છે.
જ્યાં કોરોનાની વિકટ પરિસ્થિતિઓમાં વચ્ચે પણ નોન-કોવિડ દર્દીઓની સારવાર પણ અવિરત થઈ રહી છે. આ જીજી હોસ્પિટલમાં અમીનાબેન સમા નામના દર્દીને અકસ્માત દરમિયાન થયેલી ઇજાઓમાં સી.એમ. હેલ્પ ડેસ્કની મદદથી ખાસ સર્જરી પ્લેટ મળતા ઓપરેશન કરવામાં આવ્યું છે. જી.જી. હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. વિજય સાતાના જણાવ્યા અનુસાર જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં માર્ચ મહિનાથી હાલ સુધીમાં કોરોનાના કપરા કાળમાં પણ ૩,૫૭૮ મેજર સર્જરીઓ અને ૧૨,૫૧૪ માઇનોર સર્જરીઓ મળી કુલ ૧૬,૦૯૨ નોન-કોવિડ ઓર્થોપેડિક સર્જરીઓ કરવામાં આવી છે.
જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા અમીનાબેન હનીફભાઈ સમા નામના મહિલાને કોરોના કાળમાં અકસ્માત થયો હતો. ગાડી સ્લીપ થતા અમીનાબેનના જમણા હાથનું હાડકું ભાંગી પડ્યું હતું. તેઓ ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યાં ડોક્ટરે તેને જોઈને ગંભીર સ્થિતિમાં સારવાર માટે ના પાડી દેતા અમીનાબેન સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં ઓર્થોપેડિક વિભાગના તબીબોએ તપાસતા હાથમાં ગંભીર ઈજા થઈ હતી અને હાથનું હાડકું ભાંગી ગયું હતું. તેમને તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી. જોકે, આ ઓપરેશન માટે ખાસ પ્લેટ નાખવાની જરૂર હતી. જે પ્લેટ જામનગરમાં ન હતી. જેથી ચિંતિત પરિવારે આ વાત સી.એમ. હેલ્પ ડેસ્ક સુધી પહોંચાડી હતી. આ અંગેની વિગતો સામે આવતા જ સમગ્ર વાતને મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધ્યાને મૂકી ઝ્રસ્ની સૂચનાથી તાત્કાલિક ધોરણે અમદાવાદથી ખાસ સર્જીકલ પ્લેટ જામનગર મોકલવામાં આવી હતી.