અકસ્માતમાં બચેલી ભાવિ ડોક્ટર કૃપાલીએ દમ તોડ્યો
રાજકોટ: રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મેટોડા જીઆઇડીસીના ગેટ પાસે ગત્ ૪થી ઓગસ્ટના રોજ કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પાંચ પૈકી ત્રણ ભાવિ તબીબોના મૃત્યુ ઘટનાસ્થળ પર નિપજયા હતા. જ્યારે કે બે જેટલા ભાવિ તબીબોને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ટૂંકી સારવાર દરમિયાન સિમરન ગિલાણી નામની યુવતીનું હોસ્પિટલમાં ૪ ઓગસ્ટના રોજ મોત નીપજ્યું હતું.
જ્યારે કે વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલી કૃપાલી ગજ્જર નામની યુવતીનું આજરોજ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આમ, માત્ર ૬ દિવસના સમયગાળા દરમિયાન ૫ જેટલા ભાવિ તબીબોએ અકસ્માતના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટના અંગે વાત કરીએ તો ગત ૪થી ઓગસ્ટના રોજ પારુલ યુનિવર્સિટી સંચાલિત હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખીરસરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતાં. મુલાકાત પૂર્ણ થયે તમામ લોકોએ ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો. પરંતુ ત્યારે એક પણ વ્યક્તિને ખ્યાલ નહોતો કે તેમનો એ આખરી ગ્રુપ ફોટો હતો. હોન્ડા અમેઝ કારમાં નિશાંત દાવડા, સિમરન ગિલાણી, ફોરમ અને આદર્શ અને કૃપાલી સવાર હતા.
હોન્ડા અમેઝ કાર નિશાંત દાવડા ચલાવી રહ્યો હતો. આ સમયે કોઈ કારણોસર નિશાંત દાવડા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. અને સામે આવી રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારની સ્પીડ એટલી તીવ્ર હતી કે જેના કારણે તે એસટી બસના આગળના ભાગમાં ઘુસી ગઈ હતી. આ કારણે ઘટના સ્થળ પર જ નિશાંત દાવડા, ફોરમ તેમજ આદર્શ ગોસ્વામીના મોત નિપજયા હતા. જ્યારે કે સમગ્ર ઘટનામાં ઈજા પામેલ સિમરન અને કૃપાલીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ મૃતકોએ કોરોનામા અનેક લોકોની જિંદગી બચાવી હતી. સમગ્ર મામલે લોધીકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં તમામ મૃતકોએ કોરોના સામેની લડતમાં ૬ મહિના સુધી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી હોવાનું પણ સામે આવ્યું છે.