અક્ષરજ્ઞાનની શિક્ષા પુરી, આદર્શ જીવન જીવો અને મહાન ઇન્સાન બનો એ તમારી દીક્ષા છે : આચાર્ય દેવવ્રત
ગુજરાત યુનિવર્સિટીના 71 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ-રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે 51,279 વિદ્યાર્થીઓને પદવી એનાયત
દેશ માટે સમર્પણભાવ કેળવી જવાબદાર નાગરિક બનવા યુવાનોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ
આરોગ્ય તેમજ ઉચ્ચ અને તબીબી શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશ પટેલ તથા રાજયકક્ષા શિક્ષણમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિ
શિક્ષણના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનાંકોમાં સૌથી શ્રેષ્ઠ અને નંબર વન એવી ગુજરાત યુનિવર્સિટીના 71 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 51,279 વિદ્યાર્થીઓને ડિગ્રી ડિપ્લોમાની પદવી એનાયત કરી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, અહીં અક્ષરજ્ઞાનની શિક્ષા પૂરી થાય છે, હવે કર્મક્ષેત્રે પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની શરૂઆત થાય છે. ગુરુજનો-શિક્ષકોએ જે જ્ઞાન આપ્યું છે તેના ઉપયોગથી માનવતાના ઉચ્ચ ગુણો અપનાવી આદર્શ જીવન જીવો અને મહાન ઇન્સાન બનો એ જ તમારી દીક્ષા છે.
ઉચ્ચ અને તબીબી શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
યોગ્ય સમયે ગુજરાતે આ રાષ્ટ્રને યોગ્ય વ્યક્તિઓ આપી છે; એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વિશ્વભરમાં ભારતને ગૌરવ અને સન્માન અપાવનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની આ દેશને સૌથી મોટી ભેટ છે. આર્થિક ક્ષેત્રે ‘સોને કી ચીડિયા’, આધ્યાત્મિક ક્ષેત્રે ‘પથ પ્રદર્શક’ અને વિદ્યા ક્ષેત્રે ‘વિશ્વ ગુરુ’ એવું આ ભારત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઉન્નતિ કરી રહ્યું છે
ત્યારે દેશના-ગુજરાતના યુવાનોની જવાબદારી છે કે તેઓ પોતાની મહેનત અને કાર્યકુશળતાથી રાષ્ટ્રના ઉત્કર્ષમાં સહયોગ આપે. જે દેશે જીવન આપ્યું છે એ દેશ માટે બલિદાન આપવાની તત્પરતા અને સમર્પણભાવ કેળવીને જવાબદાર નાગરિક બનવા તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો.
કુલાધિપતિ-રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તૈત્તિરીય ઉપનિષદનો સંદર્ભ આપતાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ જીવનભર સત્યનું આચરણ કરવું જોઈએ. ‘ખોટા સિક્કા’ થોડો સમય ચાલી જતા હશે, પણ જીવનનો અંતિમ સિદ્ધાંત સત્ય જ છે. ગુજરાત યુનિવર્સિટીના છાત્રો સત્યના માર્ગે ચાલીને આ યુનિવર્સિટી અને ગુરુજનોનું ગૌરવ અને સન્માન વધારશે.
‘ધર્મ એટલે જેને ધારણ કરવાથી વ્યક્તિ સુખી થાય અને તે વ્યક્તિના સંપર્કમાં આવતા સૌ સુખી થાય’; એવી વ્યાખ્યા કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને આવા ધર્મનું આચરણ કરવાની શીખ આપી હતી. જો આમ થશે તો આ વિશ્વમાં આતંકવાદ અને ખૂનામરકીને કોઈ અવકાશ જ નહીં રહે. પ્રત્યેક મનુષ્ય એકમેકનો સહારો બનશે.
ગુજરાત યુનિવર્સિટીના સ્લોગન-‘યોગઃ કર્મશુ કૌશલમ’ની વ્યાખ્યા કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, જીવનમાં મળેલા કર્મને અત્યંત કુશળતા, નીપુણતા, નિષ્ઠા અને પૂરા સમર્પણ ભાવથી કરો. જો કોઈ વ્યક્તિ આ પ્રકારે કામ કરે તો પછી પરિણામ આપવાની જવાબદારી ઈશ્વરની થઈ જાય છે. કામ કરનાર વ્યક્તિ નિશ્ચિંત થઈ જાય છે.
વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ; એમ કહીને તેમણે કહ્યું કે, જો ખેડૂત ખેતર છોડી દે અને વિદ્યાર્થી પુસ્તક છોડી દે તો વિદ્યા લુપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ જીવનભર શીખતો રહે તે સમાજ અને રાષ્ટ્ર માટે ‘મૂડી’ બની જાય છે.
વિદ્યાર્થીઓને સંબોધતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, તમે મેળવેલી વિદ્યા માત્ર પોતાના ઉપયોગમાં ન રાખતાં તેમાં મધુરતા મેળવીને લોક કલ્યાણમાં વાપરજો. વાદળો જેમ વેરાન-તપ્ત ધરતી પર વરસીને તેને તૃપ્ત, શાંત અને હરિયાળી કરે છે, તેમ તમે મેળવેલું જ્ઞાન રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે ઉપયોગી થાય તેવા સમર્પણ ભાવથી કામ કરજો.
જે માતા-પિતા અને ગુરુજનોએ ઉન્નત કર્યા, શિક્ષિત કર્યા અને વિકસિત કર્યા એ માતા-પિતા અને ગુરુનું ભૂલથી પણ અપમાન નહીં કરવાની શીખ આપતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણે વિકસિત થઈ રહ્યા છીએ અને સાથોસાથ વૃદ્ધાશ્રમો પણ વધી રહ્યા છે. આ યોગ્ય નથી. માતા-પિતા અને ગુરુ પ્રત્યે હંમેશા સન્માન અને સમર્પણ ભાવ રાખો.
તેમણે વિદ્યાર્થીઓને હંમેશા સત્યના માર્ગે, ધર્મના માર્ગે, લોકસેવાના માર્ગે ચાલીને પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે નિર્વ્યસની અને ઉત્તમ જીવન જીવવા અનુરોધ કર્યો હતો.
આ પદવીદાન પ્રસંગે ઉચ્ચ અને તબીબી શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાશ્રમ પછી સામાજિક જીવનમાં પદાર્પણ વખતે વિદ્યાર્થીકાળમાં મેળવેલું જ્ઞાન અને વ્યવહાર કુશળતા સામાજિક જીવનમાં, અર્થઉપાર્જનમાં, ઘરસંસાર તથા જીવન નિર્વાહમાં મદદરૂપ બને છે.
તેમણે દેશ અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા વિશે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે, દેશના પ્રાચીન શૈક્ષણિક વારસાનું આક્રાંતાઓના રાજમાં પતન થયું હતું પરંતુ આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના દૂરંદેશી નેતૃત્વમાં આપણે નવા યુગમાં આપણો શૈક્ષણિક વારસો પુનઃસ્થાપિત કરી રહ્યા છીએ. આજે ભારત દેશ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક મૂલ્યોને પ્રસ્થાપિત કરી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેકિંગ ક્ષેત્રે 1,60,000 કરોડનું રોકાણ આવી રહ્યું છે. આવનારા 100 દિવસોમાં વધુ એક લાખ કરોડનું નવું રોકાણ આવનાર છે. આ ઉપરાંત, ડીજીટલ પેમેન્ટ ક્ષેત્રે પણ આજે ભારત ચીન કરતા આગળ નીકળી ગયું છે,
જે દર્શાવે છે કે દેશમાં અને ગુજરાતમાં રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ છે. દેશનું યુવા ધન આજે વિકાસની નવી રાહ પર પ્રગતિ કરી રહ્યું છે અને આ પ્રગતિમાં ગુજરાત પહેલેથી જ સહભાગી બની રહ્યું છે. રાજ્યમાં શરૂ કરવામાં આવેલી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી આ ક્ષેત્રે જ એક પહેલ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ખૂબ મહેનત સાથે ધ્યેયને સાકાર કરવા માટે ઉચ્ચ મૂલ્યો આધારિત શિક્ષણ મેળવ્યા બાદ પદવી મેળવવાનો અવસર ખરેખર આનંદદાયક હોય છે. પદવી મેળવીને બહાર નીકળતા યુવાઓ ઉચ્ચ કાર્યક્ષમતાથી સુસજ્જ, સતત આગળ વધવાની ઇચ્છાશક્તિ અને તેજસ્વીતા ધરાવતા યુવાઓ હોય છે.
આજે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના સંશોધનો, કાર્યપદ્ધતિ કે વિષયો પર આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થીઓ પીએચડી કરે કે લેખો લખે એવી આશા તેમણે વધુમાં પ્રગટ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હંમેશા સૂર્યાસ્ત બાદ સૂર્યોદય થાય જ છે. આથી યુવાને ક્યારેય મુશ્કેલીઓથી ડરવું જોઈએ નહિ. યુવાને સ્થિતપ્રજ્ઞતા કેળવવી જોઈએ. આજના યુવાનો ત્યાગીને ભોગવવાની સંસ્કૃતિ અપનાવીને રાષ્ટ્રનિર્માણ સાથે પરિવાર અને ધર્મની રક્ષા કાજે સહભાગી બનવું જોઈએ.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. હિમાંશુ પંડ્યાએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, પદવી ધારણ કરવી એ વિદ્યાર્થી જીવનમાં ખૂબ જ અગત્યની અને યાદગાર ઘટના હોય છે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પ્રત્યે ભાર મૂકવામાં આવ્યો છે.
બે વર્ષ પહેલાં જયારે રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિના અમલીકરણની શરૂઆત કરેલી ત્યારે ગુજરાત યુનિવર્સિટી એકમાત્ર એવી યુનિવર્સિટી છે જેણે 14 અભ્યાસક્રમો નવી શિક્ષણનીતિ પ્રમાણે આપ્યા છે. છેલ્લાં 4 વર્ષથી ગુજરાત યુનિવર્સિટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનાંકોમાં નંબર વન છે.
ગુજરાત યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી છે જેણે 450થી વધુ સ્ટાર્ટઅપ, 4 થી વધુ ઇન્ક્યુબેશન સેન્ટર , 6 પ્રોડક્ટ ઇન્ડિયન આર્મીને આપ્યા, 29 થી વધારે પેટન્ટ રીસીવ કર્યાં છે તથા 72 થી વધારે પેટન્ટ માટે અરજી કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દેશની એકમાત્ર યુનિવર્સિટી છે જેમાં DRDO એ સાઈબર સિક્યોરીટી ક્ષેત્રે સેન્ટર ઓફ એકસેલન્સ સ્થાપ્યું છે.
ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આજે ગુજરાત યુનિવર્સિટી સાથે કાર્ય કરી રહી છે. એકમાત્ર ગુજરાત યુનિવર્સિટી પાસે ‘રિસર્ચ પાર્ક’ ઉપલબ્ધ છે. ગ્લોબલ ક્ષેત્રે નામના ધરાવતી 14 થી વધુ આંતરરષ્ટ્રીય યુનિવર્સિટી આજે ગુજરાત યુનિવર્સિટી સાથે જોઇન્ટ પ્રોગ્રામ ચલાવે છે. ગુજરાત યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી છે
જેની પાસે શિક્ષણ માટેના 3 પ્લેટફૉર્મ એટલે કે રેગ્યુલર વર્ગો, એક્સટર્નલ વર્ગો અને ઓનલાઇન વર્ગો ઉપલબ્ધ છે. નેશનલ એજ્યુકેશન પોલીસીના નવા આયામોને અમલી બનાવીને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવા માટે ગુજરાત યુનિવર્સિટી સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
આ વાર્ષિક પદવીદાન પ્રસંગે યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના કુલ 51,279 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 302 વિદ્યાર્થીઓને મેડલ જ્યારે 67 વિદ્યાર્થીને સ્કોલરશીપ (પારિતોષિક) એનાયત કરવામાં આવી હતી. સ્થળ પર 167 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દરિયાપુરના ધારાસભ્યશ્રી કૌશિક જૈન, ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડૉ. પિયુષ પટેલ, વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, વિવિધ શાખાઓના અધ્યાપકગણ તેમજ વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા.