Western Times News

Gujarati News

અખબારમાં સર્જરીની સક્સેસ સ્ટોરીથી પ્રેરાઇને દર્દી સિવિલ પહોંચ્યો : ૭ વર્ષ જૂની સમસ્યાનો અંત આવ્યો

આખરે ડોક્ટર્સે આશિષભાઈ ઉપર કરેલી સર્જરી સફળ રહી અને આશિષભાઈને છેલ્લાં સાત વર્ષથી ચાલી આવતી કરોડરજ્જુની સમસ્યામાંથી છૂટકારો મળ્યો*

*અતિ ખર્ચાળ સર્જરી PMJAY કાર્ડની મદદથી સંપૂર્ણપણે ફ્રી થઈ*

ઘણી વખત આપણને આપણી આસપાસના એવા સ્રોતમાંથી અચાનક એવી પ્રેરણા મળે છે કે જેની આપણને કલ્પના પણ ન હોય! આવી અચાનક ઉદભવેલી પ્રેરણા માણસ માટે ઘણી આશાઓ લાવતી હોય છે.

અમદાવાદમાં રહેતા અને વર્ષોથી *એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ* નામની બિમારીથી પીડાતા એક ભાઈએ અચાનક આ બિમારીની સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી થઈ હોવાના સમાચાર વાંચ્યા અને તેમને પણ આ સર્જરી કરાવવાની પ્રેરણા મળી. સિવિલ હોસ્પિટલમાં આ સર્જરી કરાવ્યા બાદ હવે આ ભાઈ ખુબ જ ઝડપથી સુખી જીવન તરફ આગળ ધપી રહ્યાં છે.

રસપ્રદ વાત એ છે કે અખબારમાં છપાયેલી એ સક્સેસ સ્ટોરીનો મૂળ સ્રોત એ બીજું કોઇ નહીં પણ ગુજરાત સરકારનું માહિતી ખાતું હતું.

કેસની વિગત એવી છે કે, અમદાવાદ શહેરમાં વસતા ૩૪ વર્ષના આશિષભાઈ ચૌહાણ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. છેલ્લા છ થી સાત વર્ષથી એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ નામની બીમારીથી પીડાઇ રહ્યા હતા.

આ બિમારીના કારણે કરોડરજ્જુના મણકા એકબીજા સાથે ચોંટી જતા હોય છે અને કરોડરજ્જુ વાંકી વળી જતી હોય છે, જેના કારણે તેમને બેસવામાં, ચાલવામાં કે ડોક ઊંચી કરીને જોવામાં તકલીફ પડતી હતી.

દિવસ દરમિયાન તેઓને આ પીડા દૂર કરવા ત્રણથી ચાર વખત પેઈન કિલર લેવી પડતી હતી જેના કારણે તેમની ઇમ્યુનિટી સિસ્ટમ પણ ખૂબ જ નબળી પડી ગઈ હતી તેઓએ આ છ થી સાત વર્ષમાં ૨૫ થી ૩૦ જેટલા ખાનગી દવાખાનામાં બતાવ્યું પરંતુ આવી બિમારીનો કોઈ ઈલાજ ન હોવાનું જાણવા મળ્યું અને ખાનગી દવાખાનામાં ઘરના ઘર વેચાઈ જાય એટલા લાખના ખર્ચે સર્જરી કરાવવા આશિષભાઈ સક્ષમ નહોતા. કેમકે નાણાકીય ભીંસનો પ્રશ્ન ઊભો થતો હતો.

*આશિષભાઈએ એક દિવસ એક અખબારમાં તન્વી બહેન નામના દર્દી આ બિમારીમાંથી સર્જરી બાદ સાજા થયા હોવાના વિષયની સક્સેસ સ્ટોરી વાંચી હતી,

જેના બાદ તેમણે વિચાર્યું કે જો સરકારી હોસ્પિટલમાં આ બહેન સાજા થઇ શકતા હોય તો હું કેમ ન સાજો થઈ શકું? આ જ વિચારધારા સાથે આશિષભાઈએ સિવિલ હોસ્પિટલમાં આવીને સંબંધિત તબીબોનો સંપર્ક કર્યો અને કહ્યું કે મારે પણ આ બહેનની જેમ સાજા થવું છે.*

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો PMJAY જનઆરોગ્ય યોજનાના કારણે આશિષભાઈને ખર્ચની સમસ્યા પણ નડે તેમ નહોતી. તબીબોએ તેમને દાખલ કરીને સર્જરીની તૈયારીઓ અને પરીક્ષણો શરૂ કર્યાં.

જુદા જુદા ટેસ્ટ પરથી તબીબોને જણાયું કે આશિષભાઈમાં તન્વીબહેન કરતા તકલીફ વધારે હતી. પરંતુ હારે તો એ અમદાવાદ સિવિલના તબીબો નહીં ! સિવિલ હોસ્પિટલના સિનિયર સ્પાઇન સર્જન ડૉ.પિયુષ મિત્તલ અને તેમની ટીમે વિચાર વિમર્શ બાદ આશિષભાઈ ઉપર જવલ્લે જ થતી પેડિકલ સબસ્ટ્રેક્શન ઓસ્ટિઓટોમી નામની જટિલ સર્જરી કરવાનો નિર્ધાર કર્યો.

ડોક્ટર્સે ન્યૂરો મોનિટરિંગની પણ ઓપરેશનમાં મદદ લીધી. સર્જરી બાદ દર્દીને કોઇ પણ તકલીફ ન પડે, તે ઘરનું ગુજરાન ચલાવવા ઉપરાંત સ્નાન, બેસવું, ઊઠવું, ચાલવું કે આડા સૂવા જેવી રોજિંદી ક્રિયાઓ આસાનીથી કરે અને તેના જીવનની ગુણવત્તા ન જોખમાય તેનું પણ ડોક્ટર્સે ઓપરેશનમાં ખાસ ધ્યાન રાખ્યું.

આખરે ડોક્ટર્સની મહેનત ફળી અને આશિષભાઈ ઉપર કરાયેલી સર્જરી સફળ રહી અને એ સાથે જ આશિષભાઈને છેલ્લાં સાત વર્ષથી ચાલી આવતી સમસ્યામાંથી છૂટકારો મળ્યો. હવે આશિષભાઈ સર્જરી બાદ ધીરે રિકવર થઈ ગયા છે.

આ સર્જરીના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના ૧૩ થી

વધુ રાજ્યોના જરૂરિયાત મંદ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં થનાર વિવિધ સર્જરીની અખબારી માધ્યમો, સોશીયલ મીડીયાના માધ્યમ થી વિગતો વાંચી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે અને અહીંયા શ્રેષ્ઠ સારવાર લઈ હસ્તામુખે સ્વગૃહે પરત થાય છે.
-અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.