અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને તેમની પુત્રી કોરોના સંક્રમિત

લખનઉ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને તેમની પુત્રી કોરોના સંક્રમિત થઈ છે. ડિમ્પલે ઘરમાં જ બધાથી અલગ રહીને પોતાની સારવાર શરૂ કરી દીધી છે. પોતાના સંપર્કમાં આવેલા લોકોને તેમણે ટેસ્ટ કરાવવાની વિનંતી કરી છે. ઉત્તર પ્રદેશમાં 5 દિવસમાં 128 લોકો કોરોના સંક્રમિત થયા છે.
રાજસ્થાનમાં આજે 4 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા છે. જયપુરમાં એક વ્યક્તિ, તેની પત્ની અને એક વૃદ્ધનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત એક વિદેશી મહિલા નવા વેરિયન્ટથી સંક્રમિત થઈ છે. રાજસ્થાનમાં કોરોનાના નવા વેરિયન્ટના કુલ 22 કેસ થયા છે.
નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે બુધવારે કહ્યું હતું કે કોરોનાના વધતા કેસને અમે સાવધાનીપૂર્વક જોઈ રહ્યા છીએ. કોરોના હંમેશા શરુઆતના સ્ટેજમાં હળવા લક્ષણો સાથે આવે છે. તેમણે કહ્યું હતું કે બૂસ્ટર ડોઝ પર કોઈપણ નિર્ણય સાઈન્ટિફિક રિસર્ચ પછી લેવાશે. સાસ્થ્ય મંત્રી પણ અગાઉ આ વાત કહી ચૂક્યા છે.
AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ કહ્યું હતું કે ઓમિક્રોન ઝડપથી સંક્રમણ ફેલાવે છે. અત્યાર સુધી મળેલા ડેટા મુજબ ઓમિક્રોનમાં હળવા લક્ષણો જોવા મળે છે. ગંભીર બીમારીના કોઈ લક્ષણ હજુ સુધી જોવા મળ્યા નથી. અમને તેના વિશે વધારે ડેટાની જરૂર છે. જે લોકોએ વેક્સિન લીધી નથી તેઓએ ઝડપથી લઈ લેવી જોઈએ.