અગાઉથી ડાઉનલોડ કરી હશે તો પણ હવે પબજી નહીં રમાય
નવી દિલ્હી, મોબાઈલ પરની સૌથી લોકપ્રિય ગેમ પબજી પર ભારત સરકારે પ્રતિબંધ મુકી દીધો હતો.જોકે જેમનામાં પહેલેથી પબજી ગેમ ડાઉનલોડ હતી તેઓ આરામથી ગેમ રમી રહ્યા હતા પણ આજથી એટલે કે 30 ઓક્ટોબરથી હવે આ યુઝર્સ પણ પબજી નહીં રમી શકે.
ભારત સરકારે મુકેલા પ્રતિબંધ બાદ પબજી ગેમિંગ કંપનીએ પોતે આજે એક ફેસબૂક પોસ્ટ મુકીને આ બાબતની જાણકારી આપી છે.પબજી ગેમ કંપની ટેન્સન્ટ ગેમ્સે ફેસબૂક પર કહ્યુ હતુ કે, ડિયર ફેન્સ 2 સપ્ટેમ્બરે ભારત સરકારે આપેલા આદેશ બાદ હવે ટેન્સન્ટ ગેમ્સ ભારતમાં પોતાની તમામ સર્વિસને બંધ કરવા જઈ રહી છે.યુઝરના ડેટાની સુરક્ષા અમારી પ્રાથમિકતા રહી છે અને અમે ભારતમાં ડેટા સુરક્ષાને લગતા તમામ નિયમોનુ પાલન કર્યુ છે.અમને અહીંથી જવાનો અફસોસ છે, તમારો આભાર.
ભારતમાં બેનના કારણે કંપનીના શેરમાં ધોવાણ થયુ હતુ અને કંપનીને 2.48 લાખ કરોડ રુપિયાનો ફટકો પડ્યો હતો.પબજીને ભારતમાં 2018માં લોન્ચ કરાઈ હતી.જોકે બે વર્ષમાં કંપનીને સૌથી વધારે યુઝર્સ ભારતમાંથી મળ્યા હતા.દુનિયાભરના પબજી યુઝર્સમાં 24 ટકા ભારતના હતા.