અગ્નિપથને લઈને બિહારના ૧૫ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત

પટણા, બિહારમાં સૈન્ય ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે. અગ્નિપથને લઈને બિહારમાં યુવાનોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. બિહારમાં સતત ત્રીજા દિવસે દેખાવો ચાલુ છે. યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. શનિવારે વહેલી સવારે જહાનાબાદમાં યુવકો રસ્તા પર ઉતરી આવ્યા અને આગચંપી શરૂ કરી દીધી. જહાનાબાદ જિલ્લાના તેહતામાં પ્રદર્શનકારીઓએ એક ટ્રક અને બસને આગ ચાંપી દીધી હતી.
આ ઘટના તેહતા આઉટ પોસ્ટ પાસેની છે. પ્રદર્શન કારીઓએ પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ ભારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પ્રદર્શનકારીઓ દ્વારા આગચંપી અને પથ્થરમારાના સમાચાર મળતા જહાનાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ દળ દ્વારા દેખાવકારોને સમજાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બિહારના અનેક જિલ્લાઓ અગ્નિપથની આગમાં સળગી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ ત્રણ દિવસમાં અનેક વાહનોને આગ લગાડી અને ઘણી ટ્રેનોને આગ ચાંપી દીધી. બગડતી પરિસ્થિતિને જાેતા બિહાર સરકારે રાજ્યના ૧૫ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી છે. ઈન્ટરનેટ સેવા સ્થગિત કરવાનો આ આદેશ આવતીકાલ સુધી એટલે કે ૧૯ જૂન સુધી લાગુ રહેશે.
બિહારના લખીસરાય અને આરા જિલ્લાના કુલહડિયા સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ ટ્રેનને આગ ચાંપી દીધી હતી. દેખાવકારોએ નાલંદા જિલ્લાના ઇસ્લામપુર સ્ટેશન પર મગધ એક્સપ્રેસની ચાર બોગીને આગ ચાંપી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો. એક દિવસ પહેલા, બિહાર સરકારે રાજ્યમાં અગ્નિપથ યોજના પર હિંસક વિરોધ બાદ ૧૩ જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી હતી.HS2KP